હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે

No Comments

હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે
અમે તો રાતભર જાગી રહીએ જાગવા માટે

અમે તારે  ઈશારે   જિંદગીભર  તો   રહ્યાં   દોડી
થયાં પગભર તો અંતે પગ છળે  છે થાકવા  માટે

છલકવું કે   મલકવું   એ   હવે   તો લાગતું ખોટું
છતાં ભીતર બધું દોડે  હજુ   શું   તાગવા   માટે?

વસંતો ખીલવા લાગી છતાં ભીતર હજી  પતઝડ
મળ્યું    છે પાંદડું   પીળું   પગેરું   પામવા   માટે

અને સૂરજ ભલેને આથમી જાતો, તો  મારે  શું?
અડીખમ? છું, ફરી તું આવ છાંયો માપવા  માટે

 

– અમિત ત્રિવેદી

અર્થ સમજી ભીતર ના ઘરને જોવા લાગી છે

No Comments

અર્થ સમજી ભીતર ના ઘરને જોવા લાગી છે
આંખો તો ચ્હેરાનું નજરાણું  હોવા લાગી  છે

તું જાણે છે , મારા શબ્દો  તારા  માટે શું છે
છીપ વચાળે સૂર મહીં મોતી જોવા લાગી છે

તું ના વાંચી શકે તો લે હું  બદલી નાખું  છું
હું જાણું છું કે લિપી મારી ખોવા  લાગી  છે

મારાથી દૂર ત્યાં જઈને  તું  શું  બોલે  રાખે
જે કાંઈ બોલ્યો તેની અસર ધોવા લાગી છે

વરસોથી ઝંખ્યું એ સપનું સરકી જાતું  જોયું
પરબારું આવ્યું પાસે તો  તું  રોવા લાગી છે

 

– અમિત ત્રિવેદી

સાવ સીધો એક કડિયો જાદુ કરતો

No Comments

સાવ  સીધો  એક   કડિયો   જાદુ  કરતો
સ્વપ્ન એ  જંતર   કરીને   ઇંટે   ચણતો

આયના  વેચી  લોકોને   એ   સડક   પર
તેમનો    ચ્હેરો     બતાવી   પેટ   ભરતો

એક   પથ્થરનું     રૂપાંતર   એ   કરે   ને
શોધવા   ઈશ્વર,  ભટકતો  કેમ    ફરતો

દોસ્ત    છોડીને   બધું    તારે   જવું   છે
તો  પછી  ખાલીપણાથી    કેમ   ડરતો?

કોઈના    હોવા     વિશેની      ધારણામાં
રાત આખી  શોધવામાં જાગ્યા તું   કરતો
– અમિત ત્રિવેદી

આમ જુઓ તો ઘણું નડતું હવે

No Comments

આમ જુઓ   તો   ઘણું   નડતું   હવે
ને   છતાં  તે   જ   મને   ઘડતું   હવે

શોધવામાં     જિંદગી    પૂરી    થશે
ઝાંઝવાને     મૂક    તું   પડતું   હવે

સઘળું દોડી આવશે ઝરણાંની  જેમ
છોડ તું  વળગણ   બધું  નડતું  હવે

એ વિકલ્પો તો જ અગણિત આવશે
છોડ એને   જયાં   નથી  જડતું હવે

બારણે   તું   આવીને   પાછી   ફરી
એ જ કારણ બસ મને  નડતું   હવે

– અમિત ત્રિવેદી

પોકળ શબ્દો લઈ તું બોલે

No Comments

પોકળ  શબ્દો લઈ  તું બોલે
છળ લઈ તું ઈશ્વરના ખોળે?

એક વેળા  ઈશ્વરને સાંભળ
ટેવવશ   તું   મંદિરમાં બોલે

ઈશ્વરને    પુકારી     આવી
રાવણની  તું   આંખો  ખોલે

આ  રીતે  મંઝિલ મળશે શું
કેવળ  અટકળ   માંડી  દોડે

સાત  જનમના  લેણા  દેણા
સાથ  એનો   શાને     છોડે?

 

– અમિત ત્રિવેદી

Older Entries