આંગણની તુલસી ને જઈને શું કામ

No Comments

આંગણની તુલસી ને જઈને શું કામ
કહું અળગા થયા ની વાત વ્હાલમની
હળવે હૈયે વાત કરું વ્હાલમની
ઓઢીને આભ સાથ રહું વ્હાલમની

શબ્દોની પૂંજી લઈને બેઠી છું હું
એની યાદો ના દોરેથી બાંધવા તરાપા
નેહના વ્હેણ વળી વળ્યા છે ત્યાં
મારા પિયુજી આવશે તારવા તરાપા
ઉભા ખડક સમી અલીક જુદાઈ ને
તોડી ને સાથ રહું વ્હાલમની

આયને આવીને ઉભી રહું
ત્યાં પિયુજી સેંથી માં ભરતા કંકુ
જેણે છુપાવ્યો મારા પિયુ નો ચહેરો
એવા આયનાની કોને ફરિયાદ કરું
કિરણોની આવન ને આયનામાં હું
ઓઢી અંધારું સાથ રહું વ્હાલમની

-અમિત ત્રિવેદી

સ્વરઃ કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

મારા ઘરની દીવાલ ને પડછાયે

No Comments

મારા ઘરની દીવાલ ને પડછાયે કોઈ અટક્યું છે
હવે સૂરજ ને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે

સ્મરણો પણ અહીં કેવાં હળ્યાં મળ્યાં છે
હવે ઘટનાને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે

આમ અમસ્તાં જ નીકળ્યા હતા રસ્તે અમે મળ્યા
હવે કારણ ને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે

પર્ણને પડછાયે કોઈ આવી અટક્યું છે
હવે પાનખર ને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે

ગઝલના મત્લાના કાફિયામાં કોઈ આવ્યું છે
‘અમિત’ ને કહો કે લખે જાય કોઈ મલ્કયું છે

-અમિત ત્રિવેદી

સ્વરઃ રવિન નાયક
સ્વરાંકન :રવિન નાયક

મેલડીમાંની ડાક ને મારું ઝાંઝર

No Comments

 
મેલડીમાંની ડાક ને મારું ઝાંઝર વાગે
માડી તારે ગરબે અહીં ગગન ગાજે

મેલડીમાંની મને દયા મળે
લખચોરાસી ફેરા મારા ટળે
ઘૂમું ઘૂમું તારે ગરબે ઘૂમું
રુવે રુવે તારું તેજ ભળે

એ ગુગળીયા ધૂપથી માડી જાગે માંની ઝાલર વાગે
મેલડીમાંની ડાક ને મારું ઝાંઝર વાગે

હૈયે હરખ હેત હેલી ચડે
છાની છાની માંડી મનમાં મલકે
ડગ ભરું ત્યાં પથ પ્રકાશે
માડી તારી છાયા છલકે

મારે તાવા ના પરચા જોવા કાજે અહીં જગત આવે
મેલડીમાંની ડાક ને મારું ઝાંઝર વાગે

-અમિત ત્રિવેદી

સ્વરઃ અનુપા પોટા અને રાહુલ રાનડે
સ્વરાંકન : રાહુલ રાનડે

સાંજ પડે ને તું યાદ આવે

No Comments


સાંજ પડે ને તું યાદ આવે
નિત્ય સ્વરૂપ એ તું યાદ આવે
રાતલડી ના ઘોર અંધકારે
તારી મને ફરિયાદ આવે

ઓળઘોળ રેલાતી આવે
મારી લાગણીઓ ની રેલી
તારા વિનાની એવી સાંજે
કેમ કરીને થાય હેલી

ધારો કે તું મને ના મળે
તારો મને શું અણસાર મળે?
જો હું તને પૂછી શકું કે –
તું મને શું પળવાર મળે?

-અમિત ત્રિવેદી

સ્વરઃ રાજેશ વ્યાસ
સ્વરાંકન : રાકેશ પટેલ

છેવટે ઈશ્વર અહીં જીતી ગયો

No Comments

 

 

છેવટે    ઈશ્વર   અહીં    જીતી   ગયો
મારી    શ્રદ્ધા    છીનવી   ચાલી  ગયો

પાંપણે   તો   ઉંચકી     ફરતો    રહ્યો
કાંધ   થોડી     આપતા   થાકી   ગયો

કંકુ     થાપા   ઘરની    દીવાલે   હતાં
કાળ   તારો   હાથ   લઇ ચાલી  ગયો

તું ક્ષિતિજને   પાર  જઈ  શોભી રહી
આજ ત્યાં ઝળહળ હતું સમજી ગયો

સ્તબ્ધ    ઘરની   ખાલી  દિવાલો સુધી
કોણ આ   તસવીર   લઈ આવી  ગયો

 

-અમિત ત્રિવેદી

સ્વરઃ કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

છોડીને જાય છે

No Comments

 

 

છોડીને જાય છે અવાવરું ઘર,
પછી બાંધ્યા કરે છે નત નવું ઘર.

ખૂણે ખૂણે સ્મરણો બેઠાં છે,
કોણ હવે કરશે અહીં બોલતું ઘર.

સમજણ નો દીવડો પાથરે ઉજાસ,
વાટને સંકોર્યા પછી કેવું દોડતું ઘર.

ભલે દીવાલોથી બાંધેલ છે નકશા,
ધબકતા શ્ચાસોથી પછી વિસ્તરતું ઘર.

-અમિત ત્રિવેદી

સ્વર : હર્ષા વૈદ્ય
સ્વરાંકન : કલ્પક ગાંધી

પથ્થરના હૈયામાં

No Comments

 

 

પથ્થરના હૈયામાં લાગણીનું ડૂસકું આવ્યું
પાનખરે પાનમાં વાવણીનું શમણું આવ્યું

હૈયાની કોરી ભીંતે આંગણીનું લખવું આવ્યું
અક્ષરો સમજાતા એને આંગણીનું હસવું આવ્યું

અંધારી રાતે આગિયાનું ઝળહળવું આવ્યું
અહીં ધોળે દહાડે તા૨ાનું જોવાનું આવ્યું

ભૂલથી ભૂતકાળને ભૂલવાનું આવ્યું
ને વર્તમાનમાં અતીતનું ડૂબવું આવ્યું.

– અમિત ત્રિવેદી

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

હોઠ મલકાય ને

No Comments


હોઠ મલકાય ને કોઈનું નામ વહે,
તે કરતાં તો મને તારું મૌન ગમે.

તું સ્વયં આકાર થઈ દૂર રહે,
તે કરતાં તો તું નિરાકાર ગમે.

ટોળા માં તારી નજર ન પડે,
તે કરતાં તો તું નજરે ન ચડે.

તારાં સ્મરણોમાં હોઉં તેવી શંકા પડે,
તે કરતાં તો મારી શ્રધ્ધા ફળે.

કોઈના પગરવ સંભળાય ને તું ન હો,
તે કરતાં તો તેનો આભાસ રહે.
– અમિત ત્રિવેદી

સ્વર : સોનલ રાવલ
સ્વરાંકન : કલ્પક ગાંધી

ભીંત પણ બોલ્યા કરે છે

No Comments


ભીંત પણ બોલ્યા કરે છે અવાક્ થઈ
મૌન કેવું અફળાયા કરે છે અવાક્ થઈ.

તાજમહાલને જેમણે વિસ્મયથી જોયા કર્યો
પ્રણય અમારો જોયા કરે છે અવાઝુ થઈ.

આપના વિરહમાં આંખો જરાય મીંચાઈ નથી
સપના પણ કેવાં ફરે છે અવાક્ થઈ.

મૃગજળમાં તરબોળ રહેતી રણની આ રેતીમાં
વાદળના પડછાયા ફરે છે અવાક્ થઈ.

– અમિત ત્રિવેદી

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

લૂંટાવા નીકળ્યો છું ફકીર થઈ

No Comments


લૂંટાવા નીકળ્યો છું ફકીર થઈ
ઠાઠથી નીકળ્યો છું ફકીર થઈ.

ફૂલદાનીમાં સજાવેલ ફૂલો જોઈ
બાગમાં નીકળ્યો છું સમીર થઈ

પાણી ને તો હોય કેવી પાળ
બરફમાં પીગળ્યો છું સ્થિર થઈ

અંધારા પીંજતા આગિયા જોઈ
રાતમાં નીકળ્યો છું તિમિર થઈ

ઈશ્વરના અણસાર ને કયાં હું શોધું
રહે છે હાથમાં એ લકીર થઈ.

– અમિત ત્રિવેદી

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

Older Entries