હું દુ:ખી છું તો પણ…

No Comments

હું  દુ:ખી  છું  તો  પણ  તું  કેવો  મ્હાલે  છે
તેમ છતાં તું  ઈશ્વર  થઈ  મારા   વ્હાલે  છે

મારો  હાથ   ઝાલીને  તું  પણ  ચાલી   જો
મારે    સંગાથે     મારો    ઈશ્વર   ચાલે   છે

કોરા   કાગળ   જેવું   જીવન   જીવું  છું  હું
એવું    દોરી   દે   કે    લાગે   તું    ફાલે   છે

અક્ષર થઈ તું અવતર મારી કલમે તો પણ
તું  ના  હોવાની  ખોટ  મને  તો   સાલે  છે

તારી  સાથે  તો  વરસોથી   જીવું  છું પણ –
મને  તું   મળવાનું     રોજે  પાછું  ઠાલે  છે

રસ્તા   પર  પથ્થર   મૂકી  મંદિર બનાવી
માણસ   ધારે  ત્યાં ઈશ્વર  સર્જી  હાલે છે

– અમિત ત્રિવેદી

હોઠે ચઢી શબ્દો બધા પાછા વળે

No Comments

હોઠે  ચઢી    શબ્દો   બધા  પાછા  વળે
હૈયે   રહીને   એ   પછી  ત્યાં   ટળવળે

કાલે  હતું   એવું   બધું   ક્યાં   છે  હવે
જે પણ મળે છે સાવ   છીછરાં   નીકળે

ડગલા બધાં આડા  પડે   છે   શું    કરું
પીઠાં સુધી   આવી શકું  તો   એ   ફળે

જીવ   છે   બધે   ફરતો ફરે માની લઉં
ને   છેવટે એના જ   ઘરમાં   એ  મળે

મન પર ખરા ખોટા હિસાબ લખે  ખરાં
મેળવી શકે તાળો છતાં  એ   તો  છળે

– અમિત ત્રિવેદી

હું જે નથી એ

No Comments

હું જે નથી  એ  તું  મને   થાવા  કહે
સંબંધ તો  એ  આકરો  લાગી  સહે

મારે  ખુલાસા આપવાના  હોય તો
ત્યાં  લાગણી સંબંધમાં  થાકી જશે

એવા  બધા સંબંધ  ત્યાં  તાજા  રહે
જ્યાં  એ  કરેલી  ભૂલને   ભૂલી  વહે

હું છું તેના કરતાં વધુ પૂર્ણતા   મળે
એવા બધા સબંધો ત્યાં તાજા હશે

શતરંજની  જેવા જ  સંબંધો  બધા
જેવી તમારી ચાલ  એવી  એ  ચલે

– અમિત ત્રિવેદી

…. એનું શું.?

No Comments

શ્વાસની રટણા કરો છો તો એનું શું ?
મોતની ભ્રમણા કરો છો તો એનું શું ?

પ્રેમનો દોરો પરોવી   બાંધો   મણકા
ને પછી છણકા કરો છો તો એનું શું?

શું લખે   એ લેખ   વિધીના  કહી ને
રોજ સરવાળા કરો છો તો એનું શું?

આમ તો બોલો બધે ઈશ્વર  રહે  છે
ને પછી ભડકા કરો છો તો એનું  શું?

મીણ જેવી જાત લઈને તો ફરો  છો
ને પછી તણખા કરો છો તો એનું શું?

– અમિત ત્રિવેદી

હોઠ પર જાણે,

No Comments


હોઠ   પર   જાણે   બધે   પીંછું  ફરે,
એમ   તારું     નામ    ધીરેથી   સરે

કોઈ  હરતું  ફરતું   લાગે  છે  અહીં
યાદના   દીવા   બની   એ  તરવરે

પ્રેમમાં  ડૂબી   જતો    પાગલ  હવે
પગ  તળે   ભીનાશ  લાગે  તો  ડરે

તે  પછી  અંધાર  લાગે     આભમાં
એક   તારો   આંગણે  આવી  ખરે

તું  ઈશારે  વાત    સમજાવે   જતી
ભીતરે રણઝણ પછી રણકયા કરે

– અમિત ત્રિવેદી

… અનહદ મળે

No Comments

 

 

સુખ મળે જયારે  મળે અનહદ  મળે ,
દુઃખ ભલે મળતાં  એની  સરહદ મળે

સ્વપ્ન  કડિયાએ  બધાં  જોયા હતાં,
ખોદતા એ  ઘર   નીચે અનહદ મળે

એ  સફરની   માત્ર  કલ્પના  હું  કરું ,
ને   પછી  ગીતો   મને   બેહદ   મળે

રોજ ત્યાં આવી  ન  જાણે  શું  થતું ?
જોઉં તો  ભીની  બધી સરહદ  મળે

એ   વળી   કેવું  બને  કે  તું   લખે –
એ કહાનીના જ  અંત સુખદ  મળે

– અમિત ત્રિવેદી

સ્વર : ઘ્વનિત જોશી

સ્વરાંકન : ઘ્વનિત જોશી

દુઃખની પાછળ સુખ

No Comments

ગોળાકારે ફરતાં બે જણ, કોણ    આગળ કોણ  પાછળ ?
નાની મોટી ત્રિજ્યા હો ફર્ક પડેશું ? દુઃખની પાછળ સુખ

દુઃખ તો રૂ નો ઢગલો  મોટો, સુખની  પૂણી એમાં શોધું ,
હું  ચરખો  લઈને  જીવતર  કાંતુ, તું જો હો મારી સન્મુખ

ભવસાગરમાં  સુખ  ને  દુઃખના   મોજા  ઉછળતાં  ખુબ ,
હૈયે   રાખી  પંખી   હું   તો  ઉંચે   ઊડી   પામું   મનસુખ

જીવનપથ  આગળ  જતા  સુખ  દુઃખના બે ફાંટે ફંટાતો,
કોઈપણ ફાંટે ચાલ્યો  જા  અંતે  તો  ઈશ્વર  મળશે  ખુદ

ભણકારા  એવાં  વાગે  કે  સામે  દુઃખ  આવી  ઉભું  છે,
ઈશ્વર  પાસે  ઓચિંતો  દોડી જાઉં   તો ઈશ્વર પણ ચુપ

 
– અમિત ત્રિવેદી

સ્મરણ

No Comments

લ્યો   સ્મરણ  પાછા મનની ભીંતે આવી લટકયા,
પ્રસંગો   વારાફરતી   આવી   ઘરમાં    સચવાયા

જીવનપથ   પર   દુ:ખો   છોને   ચોકીદારી કરતાં,
સુખ   ધીરે   પગલે   આવી  મન મૂકીને ચહેરાયા

તારા   ને    મારા   સંબંધો     લોકોમાં    ચર્ચાયા
શબ્દો   ઓળખની   સરહદ ઓળંગીને પડઘાયા

દરવાજા  બંધ    કરીને    પોતે   અંદરથી   ઘૂંટાય
ભીંતે  લીલાં  તોરણ  ત્યાં  મૂંઝારો થઈને લટકયા

માણસોની વચ્ચે માણસ જીવતો એકલતા લઈને,
ખાલીપા   ટેવવશ    પંપાળી   ખોટા  એ   રૂંધાયા

– અમિત ત્રિવેદી

શ્વાસ ને ઉચ્છવાસનો લય

2 Comments

 

શ્વાસ  ને  ઉચ્છવાસનો લય એ મજાથી  માણતો,
લાકડી  એ  હાથમાં  લઇ  તાલ  પગમાં આપતો

રોજ  આખેઆખો  ખાલીપો   બગીચે  ઠાલવી ,
તાજગી  ફૂલોની  લાવી  એ    બધાને   આપતો

બોલતો  એ   ફાવશે   ને   ચાલશે   એવું   બધું
બંધ  મુઠ્ઠી   ખૂબ  હળવે  ખોલી  એ  દેખાડતો.

બાંકડે  બેસી  બગીચે બુદ્ધ  એ  પણ  થાય  છે
એ  ખુમારીથી    હસ્યો     પાંપણે   ટપકાવતો.

રોજ   કાશીએ   જવાની   વાતએ   કરતો  હવે
બાંકડે  બેસી  બગીચે  સ્વપ્ન  નવલા   લાવતો

– અમિત ત્રિવેદી

સીધાસાદા રસ્તા પર

No Comments

સીધાસાદા રસ્તા  પર ચાલ્યો  પણ   ખોવાયો   છું,
આખો  જન્મારો  હું  ખોટી   રીતે   અટવાયો   છું

સૂરજ સામે પડછાયો  ને હું જળમાં  છું  પ્રતિબિંબ ,
બસ    એક  તું  છે   કે જેની અંદર હું ખોવાયો છું

તારું   મલકાવું   ભીતર   શ્રધ્ધાનું   સુખ   સર્જાતું,
ઘૂંટી   હું   તો   તારું  નામ  ગઝલમાં  ઘૂંટાયો  છું

તારો   હાથ   જાલી   ઈશ્વર સામે   હું    ઉભો  છું ,
મોટું   સપનું   લઈને    મંદિરમાં  હું  રોકાયો   છું

તળિયામાં  હું   શોધું છું , સ્મરણ  જે  ખોવાયું  છે ,
ભવસાગરમાં  ઊંડે   મરજીવો   થઇ   દેખાયો  છું .

– અમિત ત્રિવેદી

Older Entries