ન્હોતું પરવડતું વારંવાર મને મરવું

No Comments

ન્હોતું     પરવડતું    વારંવાર   મને  મરવું
તેથી મેં  શીખી લીધું   મૃગજળમાં   તરવું

શબ્દોની    વણઝાર હવે  તું  થંભાવી   દે
મૌન ખરી આભા , હોઠે   આવી ફરફરવું

બદનામ   થવાનું   તારા ભાગ્યમાં  જ છે
પ્રેમ તું  છોડીશ નહી ,હૈયા  માંથી  ઝરવું

મોસમ હો   તોફાની,  દરિયા  હો  તોફાની
સતની નૈયા હો તો   સામે   વ્હેણે   તરવું

મોસમ છે તો ખીલી જા ,તું  ચિંતા ના કર
ફોરમ તો  જીતે  છે ,નક્કી. કર ના ખરવું

માફી આપી દે , એની  સાથે જીદ ના કર
મનથી ઘેરાયો  છું , શીખી  જા  કરગરવું

 

-અમિત ત્રિવેદી

બંદગીની રેશમી સોગાતને

No Comments

બંદગીની        રેશમી       સોગાતને
કેમ   હું   ભૂલી    શકું    એ   વાતને

એક   કારણ  તો  મળે   પીડા  વિષે ,
રાત   આખી   હું    જગાડું   જાતને

એ  વિચારો  માત્રથી   ડર   લાગતો
ગામના   લોકો     ચગાવે     વાતને

લાગણી  બેફામ  દોડી   રગ   મહી
હૈયું     ભૂલી  જાય   એની   ઘાતને

ચાંદ   લંબાવી  દે આજે આ મિલન
મેં   મનાવી  લીધી  છે  આ   રાતને

– અમિત ત્રિવેદી

રીત મારા પ્રેમની તે ના પિછાણી ?

No Comments

રીત  મારા   પ્રેમની   તે   ના  પિછાણી ?
વાત  મારા  દિલની  તારાથી  અજાણી?

મેં   વિધાતાએ    લખેલા   લેખ   ઘૂંટી
જિંદગીને     સાવ  હળવીફૂલ    માણી

શ્વાસની સરગમ નિરંતર   વાગશે   જો –
જિંદગીના     સૂર      લાગે   સંતવાણી

અંધશ્રદ્ધા  હો ભલે, શ્રદ્ધા     જ   જીતે
છેવટે  એને   જ   તારણહાર     જાણી

ક્યાં કશું અટકે છે કોઈના   વિના પણ?
છોડ  તું,  શાને   કરે   છે    ખેંચતાણી ?

– અમિત ત્રિવેદી

…. ઢળો તો હવે

No Comments

ઝાકળે    ઝાકળે    રૂપ   ખીલી   ઢળો   તો   હવે
વાદળે   વાદળે   જળ   બનીને   વહો    તો  હવે

જો   શિકાયત  છે તમને  અને   વેદના  છે  બહુ
ઢાળ   મારી   તરફ   છે   વફાથી  ઢળો  તો  હવે

કાનમાં  રોજ  ભણકાર  તારા   સતત   હોય   છે
હો   ભલે  ને  નિરાકાર  ઈશ્વર    ફળો   તો   હવે

ભીંતને  છાંયડે   આવીને    કોઈ   અટકી    ગયું
સૂર્યને   કોઈ    થંભી   જવાને  ક હો    તો    હવે

હા  અને  ના  વચાળે  જો  રળિયાત છે  લાગણી
તો  વ્યથા  મારી  સમજીને  પાછા વળો  તો હવે

  –  અમિત ત્રિવેદી

…. સનાતન સમજીને ચાલે

No Comments

આંખો   મીંચી   ઈશ્વરનું   સ્મરણ    જો  જાગે
બસ   તું   એને  જ  સનાતન  સમજીને ચાલે

ધીરે    ધીરે      ઈશ્વરને      તારામાં     જોયો
હરતું   ફરતું    મંદિર    ચાલે    મારી    સાથે

હું  તારામાં    ખોવાયો    છું,   બસ   તારામાં
તારી  ને  મારી   મંઝિલ    ઝળહળતી   આવે

દરિયો  કે  મૃગજળ રેતી એકસરખી તરબોળ
જોનારાને   એ      દ્રષ્ટિભેદ      ભલે    લાગે

ઘોડા   દોડાવી    દોડાવી   તું     ક્યાં   દોડે ?
ધમધમતો   સૂરજ  પણ  સાંજે નમતો લાગે
– અમિત ત્રિવેદી

Older Entries Newer Entries