નેણથી ઉતરી સપનું…..

No Comments

નેણથી ઉતરી સપનું આજે ગામને પાદર આવ્યું
ગામને  પાદર  ઉડતી ધૂળે  ધમધમે ગામ આખું

ફાટ ફાટ હૈયામાં મારા
રણકે તારું નામ

અમથી અમથી ઉંબર ઘસું
લઈને તારું નામ

સેંથીમાં  ભરશું  સિંદુરને  ખુલશે  કેડીઓ નોખી
પાનેતરને  પાલવડે અમે ભરશું ભાત અનોખી

શબ્દોની વણઝાર લઈને
આવજો વ્હેલા વાલમજી

નજરોના શણગાર લઈને
આવજો વ્હેલા વાલમજી

હાથમાં બાંધી મીંઢળ એમાં ભરશું અમરત મીઠાં
વાલમજીને  ખોબે  ખોબે  દઇશું   અમરત  મીઠાં.

– અમિત ત્રિવેદી

ગુલમહોર

No Comments

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની  સાંજે  મોર  થઈએ

જો   રિસામણાં  હોય  કદીક તો
માયા   આખી   હાલક   ડોલક

કરી મનામણાં મોરના ટહુકે,
આપણ બેઉ મલ્લક મલ્લક
આપણ બેઉ અલ્લડ જોડી ,
સાત સૂરે હલ્લક હલ્લક

આપણ બન્ને અડખે પડખે
ચાલ મોસમ છલકાવી દઈએ
આંખથી વરસી મબલખ અમી
એક બીજાના દર્પણ થઈએ

ઝીણી ઝીણી શરણાઈ વાગે
બેઉ હૈંયા થન્નક થન્નક

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

  • અમિત ત્રિવેદી
  • સ્વર : નિશા પારઘી
  • સ્વરાંકન નયનેશ જાની

દરિયાને …

No Comments

દરિયાને એક દિવસ સપનું આવ્યું કે  મારો દરિયો  સુકાયો
ને ભયભીત થઇ આખ્ખાએ દરિયાથી ઉંડો નિસાસો મૂકાયો

કણ કણમાં ભીંજાતી
સદા  સુહાગણ કંકુવરણી રેત
જોગણ થઇ ડમરી હવે
વાદળના સુંવાળા ઝંખતી હેત

ઉગતા પ્હોરે  ઝળહળતો  સૂરજ ડમરિયે  જઇને ડૂબ્યો
વ્હાણોનો કાફલો વગર લાંગરે મધદરિયે  જઇને ખૂપ્યો

વેડુમાં સિંચેલા પાણીને
કોણ હવે દેસે દરિયાની ભાળ ?
કિનારો તૂટી તૂટીને
દોડયો દિરયાની કરવા સંભાળ

ડમરી  થઇને દોટ મૂકે  પ્હાડોને  જઇ  કહેવા દરિયો
નદીઓને તું વાળ પાછી કયાં છે હવે રહેવા  દરિયો ?

– અમિત ત્રિવેદી

માટીની કાયા

No Comments

 

 

માટીની કાયાના  કયારામાં ફૂટે કોઇ કૂંપળ  પાનમાં
દોમ દોમ સાહ્યબી માં ઉછરે સપનું ગીત થૈ ગાનમાં

મીણ જેમ ઓગળતી જાય કાયા
રોમ   રોમ   જાગે    એને    માયા
સપનામાં જુએ જશોદાના જાયા

નસ નસ માં ઉછળતાં ઉમંગને કેમ કરી રાખે સાનમાં ?
દોમ દોમ સાહ્યબી માં ઉછરે સપનું ગીત  થૈ  ગાનમાં

આખ્ખી દુનિયા હવે એની બાનમાં
તન  મન   હવે   ડોલે   છે  તાનમાં
રોજ  કોઇ આવી બોલે   છે  ગાનમાં

કુંવારા સોળ વરસની  મોંઘેરી જાગીર   દૈ  દાનમાં
માટીની કાયાના કયારામાં ફૂટે કોઇ કૂંપળ પાનમાં

– અમિત ત્રિવેદી

ભગવાન હશે….

1 Comment

તમે દીધેલું વરદાન એ
ભગવાન હશે આજે જાણ્યું
ગર્ભ મારું મંદિર થયૂં એ
રોમે          રોમે        જાણ્યું

હાથમાં હાથ લઇ ભીનાં કંઠે
તમે   કહ્યું    કે    આભાર
ઋણ ચુકવવા આખું આયખુ
ખૂટે  ને   થાઉં   હું લાચાર
પરમ સનાતન જ્યોતિર્મય
તમે સહિયારું સુખ આપ્યું

ભીંતેથી ઉતરીને પૂર્વજો
બાળુડે   જઇને   વીખરાયા
અજબ ગજબનો મેળાવડો થઇ
સઘળાં સગપણ  વીંટળાયા
નિશદિન  સરસર વરસે
એવું સગપણ સીંચી તાણ્યું

–  અમિત ત્રિવેદી

ઉંચકી લો છો

No Comments

કોકિલ કલરવના સ્વજન  ઉંચકી લો  છો
ઉમંગો  કેવાં   નિર્ધન     ઉંચકી    લો  છો

ઉંચકી  લો   છો  પાંપણથી  કેવાં  સપનાં
આંગળીએથી  ગોવર્ધન  ઉંચકી  લો  છો

કુરૂક્ષેત્રમાં  કયાં  છે  એની  આજ   અસર
વાતે   વાતે   સુદર્શન   ઉંચકી   લો    છો

ઈશ્વર!  આપના  માટે રોજની છે  ઘટના
જયારે ઇચ્છો મારું સ્વજન ઉંચકી લો  છો

ઇશ્વર ! જેને    પૈસામાં    રમતો   રાખ્યો
એને  કેમ  તમે  નિર્ધન  ઉંચકી લો   છો?

–  અમિત ત્રિવેદી

થીજયા છે હોઠ હવે એજ રામ….

No Comments

થીજયા  છે  હોઠ હવે એજ  રામ
બોલતા  જે  સદાયે  રામ  રામ

પીંજર   છોડીને    ઉડયું   પંખી
મારગ સોનેરી મળ્યો અનહદ

સાગર   ને   સરિતાના   સૂરની
દસ દસ  દિશાએ   ખુલી સરહદ

બૌલ્યાતા ડગલે પગલે રામ રામ
શીદ તમે સામે જઇને બેઠા આમ ?

-રસ્તામાં   શબરીની   બોરડી
ઝૂકી ઝૂકી બોલતીતી રામ રામ

છોડીને    નીડ    અમે     ઉડયા
-બેઠાં છે  આવી  હવે  તારે  ધામ

પ્રગટે  ભલે લાખો દીપ સૌ  ઘરે
પ્રગટે  હવે  રામ  મારા  અંતરે

– અમિત ત્રિવેદી

Mobile…..

No Comments

એક  સવારે idea આવ્યો ચાલો થઇએ Excel,
Hutch મચાવે   એવી   ધૂન  હુંકારે   Airtel

એકબીજાને રીંગ આપી
ચાલો મોબાઇલ થઇએ
કાનમાં આવી એણે કહ્યું
ચાલો ગ્લોબલ  થઇએ

રીગટોનમાં  વહેતો  આવે મધુર  અનહદ  આનંદ
તારી હું વાટ નિહાળું, હૈયે લઇ મોબાઇલ   આનંદ

હો ભલે ગુર્જર કે –
હો   ભલે   મારવાડ
રોમીંગ તો છે ફ્રી ભલા
કરીએ દૂર સઘળી વાડ

ચાલો  આપણે  સૌ  કરીએ  એક  પ્રબળ  એલાયન્સ
જેના ભરોસે આપણે ચાલીએ એ જ હો  Reliance

No Comments

હરિના આ મેળામાં આપણે આપણો મેળો ભરીએ
મેળામાં મેળો ભરી આપણે  હરિને જ ભૂલી જઇએ

હરિ ચલાવે  ચકડોળ
તો ખૂબ  ખૂબ  ડરીએ
હામ  જરા ધરીએ તો
હેમ   ખેમ    ફરીએ

આંખ જરા મળી ના મળી ત્યા તો છૂંદણા છૂંદી દઇએ
હરિના  આ  મેળામાં આપણે હરિથી છટકી  ને ફરીએ

અમથા અમથા જાગીને
રાતના ઉજાગરા કરીએ
હરિના    આ   મેળામાં
જાગરણથી  કેમ ડરીએ ?

હરિના   મેળામાં    લખચોરાશી    ફેરા   ફરીએ
નહીં લેવું નહીં દેવું , ચાલો સુખથી આપણે ફરીએ

–    અમિત ત્રિવેદી

વિદાય ગીત

No Comments

ઉંબરે  આવી ઠેસ વાગે  ત્યારે
કોણ   કહેશે   ખમ્મા   બાપુ ?
આંગણા પાસે ઢોલ વાગે ત્યારે
કોણ  કહેશે    ખમ્મા   બાપુ ?

કોને   અમે    વાતો  કહીશું
ટાંકશું કોના ગાલના ખંજન ?
કોને અમે ટોકશું અને વાંચશું
કોના     હોઠનાં     કંપન ?

મન  ભરાતા ડૂસકું  આવે  ત્યારે
કોણ    કહેશે   ખમ્મા    બાપુ ?
લીલેરા રંગે તહીં મહેલો સજાયા
ઉપવનના   રંગો   એને  આપું

નસનસમાં વહેતાં અહીં આયખાં કપાયાં
કેમ     કરી     જીવતર     હું   કાપું ?

– અમિત ત્રિવેદી

Older Entries Newer Entries

Contact Us On WhatsApp