નેણથી ઉતરી સપનું આજે ગામને પાદર આવ્યું
ગામને  પાદર  ઉડતી ધૂળે  ધમધમે ગામ આખું

ફાટ ફાટ હૈયામાં મારા
રણકે તારું નામ

અમથી અમથી ઉંબર ઘસું
લઈને તારું નામ

સેંથીમાં  ભરશું  સિંદુરને  ખુલશે  કેડીઓ નોખી
પાનેતરને  પાલવડે અમે ભરશું ભાત અનોખી

શબ્દોની વણઝાર લઈને
આવજો વ્હેલા વાલમજી

નજરોના શણગાર લઈને
આવજો વ્હેલા વાલમજી

હાથમાં બાંધી મીંઢળ એમાં ભરશું અમરત મીઠાં
વાલમજીને  ખોબે  ખોબે  દઇશું   અમરત  મીઠાં.

– અમિત ત્રિવેદી