આજ અવસર છે અનેરો દાદાને દરબારે
ખુદ  યમરાજે   હોઠે   ધરી  છે    શરણાઇ

મારી   દીકરીની   શરણાયું  વાગીને
મારી લાડલી જુઓને કેવી છે શરમાઇ

મારી ખોવાયેલી દીકરીની આંગણી પકડી
હરિએ     વરસાવી    છે     દેવતાઇ    મ્હેર

અવસરો  તો   રૂડાં  અહીં   કે   તહી
પણ  જુઓને  એમાં  કેટલો  છે  ફેર

રેશમી  આ  જીવતરનું પાનેતર ઓઢી
લાડલી  જુઓને   કેવીક    છે  મલકાઇ

ડૂબતી આંખોને હવે  પાંપણના ફાફાં
પછી અવકાશમાં  ડૂબતુ  મારું  મન

કોઇ આવી પૂછે તો એને  હું  કહું
કેવાં રે  મેં  એનાં કર્યાં છે જતન

મારાં રૂંવે રૂંવે  પગટયા  દીવા  અખંડ
મારી ભીતરે વાગી  છે ઝીણી શરણાઇ

–  અમિત ત્રિવેદી

નોંધ  : ખૂબ જ નાની વયે વિદાય થયેલી   સ્વ. રાજીને અંજલિ  આપતું આ ગીત