શ્વાસ  ને  ઉચ્છવાસનો લય એ મજાથી  માણતો,
લાકડી  એ  હાથમાં  લઇ  તાલ  પગમાં આપતો

રોજ  આખેઆખો  ખાલીપો   બગીચે  ઠાલવી ,
તાજગી  ફૂલોની  લાવી  એ    બધાને   આપતો

બોલતો  એ   ફાવશે   ને   ચાલશે   એવું   બધું
બંધ  મુઠ્ઠી   ખૂબ  હળવે  ખોલી  એ  દેખાડતો.

બાંકડે  બેસી  બગીચે બુદ્ધ  એ  પણ  થાય  છે
એ  ખુમારીથી    હસ્યો     પાંપણે   ટપકાવતો.

રોજ   કાશીએ   જવાની   વાતએ   કરતો  હવે
બાંકડે  બેસી  બગીચે  સ્વપ્ન  નવલા   લાવતો

– અમિત ત્રિવેદી