હોઠ મલકાય ને

No Comments


હોઠ મલકાય ને કોઈનું નામ વહે,
તે કરતાં તો મને તારું મૌન ગમે.

તું સ્વયં આકાર થઈ દૂર રહે,
તે કરતાં તો તું નિરાકાર ગમે.

ટોળા માં તારી નજર ન પડે,
તે કરતાં તો તું નજરે ન ચડે.

તારાં સ્મરણોમાં હોઉં તેવી શંકા પડે,
તે કરતાં તો મારી શ્રધ્ધા ફળે.

કોઈના પગરવ સંભળાય ને તું ન હો,
તે કરતાં તો તેનો આભાસ રહે.
– અમિત ત્રિવેદી

સ્વર : સોનલ રાવલ
સ્વરાંકન : કલ્પક ગાંધી

ભીંત પણ બોલ્યા કરે છે

No Comments


ભીંત પણ બોલ્યા કરે છે અવાક્ થઈ
મૌન કેવું અફળાયા કરે છે અવાક્ થઈ.

તાજમહાલને જેમણે વિસ્મયથી જોયા કર્યો
પ્રણય અમારો જોયા કરે છે અવાઝુ થઈ.

આપના વિરહમાં આંખો જરાય મીંચાઈ નથી
સપના પણ કેવાં ફરે છે અવાક્ થઈ.

મૃગજળમાં તરબોળ રહેતી રણની આ રેતીમાં
વાદળના પડછાયા ફરે છે અવાક્ થઈ.

– અમિત ત્રિવેદી

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

લૂંટાવા નીકળ્યો છું ફકીર થઈ

No Comments


લૂંટાવા નીકળ્યો છું ફકીર થઈ
ઠાઠથી નીકળ્યો છું ફકીર થઈ.

ફૂલદાનીમાં સજાવેલ ફૂલો જોઈ
બાગમાં નીકળ્યો છું સમીર થઈ

પાણી ને તો હોય કેવી પાળ
બરફમાં પીગળ્યો છું સ્થિર થઈ

અંધારા પીંજતા આગિયા જોઈ
રાતમાં નીકળ્યો છું તિમિર થઈ

ઈશ્વરના અણસાર ને કયાં હું શોધું
રહે છે હાથમાં એ લકીર થઈ.

– અમિત ત્રિવેદી

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

હૃદય અમારું ઊંડું છે

No Comments

હૃદય અમારું ઊંડું છે પછી આંખ કેમ છલકાય
દર્દો ભરીને બેઠાં છીએ સાવ ખોખલાં નથી

સહન કરતાં શીખ્યાં એટલે દર્દી તેની હવે પરવા નથી
ઘર કરી ગયાં છે દર્દો તેની હવે પરવા નથી

પૂછી શકાય તો પૂછવો છે એક સવાલ ઈશ્વરને
દુ:ખો આવે છે જીવનમાં તેવી કેમ અફવા નથી ?

હવે કોની પાસે જાઉં ‘અમિત’ નવાં દર્દો લઈને
ઈશ્વરની કિતાબમાં તો કયાંય દુઃખના બદલા નથી.

– અમિત ત્રિવેદી

સ્વર : ચૈતન્ચ વ્યાસ
સ્વરાંકન : કલ્પક ગાંધી

સરવાળા બાદબાકી

No Comments


સરવાળા બાદબાકી અહીં કેવાં ખોટાં પડે છે
તમારા જવાથી વાતાવરણમાં ભાર વધે છે.

મારા દિલમાં પ્રવેશ તમારા હાથમાં છે
તમારાં જવાની વાત ભલે લોકો ઝહે છે.

મંદિરની મૂર્તિઓ ક્યારેક ધબકી તો હશે
તેથી જ લોકોના ટોળા અહીં આવતાં રહે છે.

તમે છોડી ગયાં અમે ક્યાં વિરોધ કર્યો છે
આંકેલા પગલાં પર વિધાતાનો હાથ રહે છે.

– અમિત ત્રિવેદી

સ્વર : ચૈતન્ય વ્યાસ

માણીગર મુરલીવાળો શ્યામ …

No Comments

 

 

 

માણીગર મુરલીવાળો શ્યામ … ઓ શ્યામ…  ઓ શ્યામ…

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર,  છબીલો છેલ  છોગાળો શ્યામ

કુંજ ગલીમાં તું અટકી જાતો, ગોકુળિયે તું કેમ ન આવે ?
યમુનાજીએ તને મારગ દીધો, યાદ તને એ કેમ ન આવે ?

માણીગર મુરલીવાળો શ્યામ

કલરવની કેડીએ અમે તો એકલા, સુણીએ છીએ અમે તારા ધબકારા
મુરલીના સુરોના આછા અજવાળા ,ચીંધે ગોપીઓને મારગ પરબારા

માણીગર મુરલીવાળો શ્યામ

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલ છોગાળો શ્યામ
– અમિત ત્રિવેદી

હાથમાં અજબ દૈવત લઈ આવે છે ડોકટર

No Comments

 

 

હાથમાં અજબ દૈવત લઈ આવે છે ડોકટર
રામની રૈયત લઈ હૈયે આવે છે ડોકટર

એ તો છે દુઃખ ભંજન બનતા મોટા સુખનું કારણ
એક પછી એક બધાં રોગનું હળવેથી કરતાં મારણ

દુઆ ફળે એની દવા લઈને આવે છે ડોકટર
સૌના દેહને તીરથ જાણી શુકન લાવે છે ડોકટર

શ્ચાસની સરગમની નિરંતર ફેરવે છે માળા
કૂંચી દુઆની લઈને ખોલે બંધ તાળા

જીવનની રખવાળી કરી ને સાથ આપે છે ડોકટર
જિયો જિયો બસ જિયો જિયોનો મંત્ર આપે છે ડોકટર

-અમિત ત્રિવેદી

સ્વર : ધ્વનિત જોષી
સ્વરાંકન :ધ્વનિત જોષી

દરિયા જેવો દરિયો છલકે

No Comments

 

 

દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે
રોમે રોમે વ્હાલમ મલકે એવી વાત કહ્યી  છે  તે

શબ્દો લઈ લખવા બેસુ તો
વાત વહે ખળખળ
અમથી અમથી બેસી રહું તો
આંખ્યુંમાં જળજળ

અરીસામાં  ચહેરો  અટકે એવી વાત કહ્યી   છે  તે
દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે

શમણાઓનું રેશમ છે
તું મુજ અંગ પર બિરાજ
હૈયું ઝંખે હૂંફ તો
વહાલમ    રાજાધિરાજ

હોઠેથી   ટહુકો  છટકે  એવી  વાત   કહ્યી  છે  તે
દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે

– અમિત ત્રિવેદી

છોડીને જાય છે અવાવરું ઘર

No Comments

છોડીને જાય છે અવાવરું ઘર,
પછી બાંધ્યા કરે છે નિત નવું ઘર.

ખૂણે ખૂણે સ્મરણો બેઠાં છે,
કોણ હવે કરશે અહીં બોલતું ઘર.

સમજણનો દીવડો પાથરે ઉજાસ
વાટને સંકોર્યા પછી કેવું દોડતું ઘર

ભલે દીવાલોથી બાંધેલ છે નકક્ષા
ધબકતા શ્વાસોથી પછી વિસ્તરતું

-અમિત ત્રિવેદી

સ્વર : હર્ષા વૈદ્ય
સ્વરાંકન : કલ્પક ગાંધી

ફોરમની ગાંસડી લઈ ઉભી’ તી

No Comments

ફોરમની ગાંસડી લઈ ઉભી’ તી
ત્યાં તો ઝાકળે બારણાં ઢંઢોળ્યા
સામે આવી રતુમડા સૂરજે
ઝાકળના તોરણા ઝબોળ્યા

જાગેલા સપનાની વાતો કહું
ત્યાં તો ફોરમથી ફેલાતી વાત
સમીરની વાટ પકડી આગળ વધું
ત્યાં તો ઓચિંતી આવી કપાત
ને ખીલેલાં રંગીન ઉપવનમાં
ઉભરાતા સોંદર્ય ઝબોળ્યા

ખોબે ખોબે અમે અમ૨ત પીશું
ને પછી ઢોળશું દરિયો ઉપવનમાં
એકએક નવલી પંખુડી ખોલશે
બિડે લા ૨હસ્યો ઉપવનમાં
ને ખીલેલા રંગીન ૨હસ્યોમાં
લીલેરાં પોત ઝબોળ્યા.

-અમિત ત્રિવેદી

સ્વર : હર્ષા વૈદ્ય
સ્વરાંકન : કલ્પક ગાંધી

Older Entries Newer Entries