… ફોરમ છવાઈ છે બધે

No Comments

આ  બાગમાં ફોરમ  છવાઈ   છે  બધે
ચૂંટી   લઈ  ફૂલો,   ઘવાઈ   છે   બધે

એ  રંગ  તો પાકો  હતો  ભગવો  છતાં
રંગીન  ત્યાં  ભૂરકી  છવાઈ   છે   બધે

મનમાં હતી,  તારી બધી  વાતો  હતી
ને  એ  ગઝલ  મારી ગવાઈ  છે  બધે

તેં  તો  હવામાં   તીરને    છોડ્યું  હતું
તો  લાગણી   શાને  ડઘાઈ  છે  બધે?

ને  સાંજ   વેળા  મોર  ગ્હેકે છે  અહીં
બાંધ્યા નથી  તોરણ  નવાઈ  છે  બધે

– અમિત ત્રિવેદી

…. પીંછું ફરે

No Comments

હોઠ   પર  જાણે  બધે    પીંછું   ફરે
એમ   તારું    નામ   ધીરેથી   સરે

કોઈ  હરતું  ફરતું  લાગે   છે   અહીં
યાદના   દીવા  બની  એ   તરવરે

પ્રેમમાં   ડૂબી  જતો   પાગલ  હવે
પગ  તળે  ભીનાશ  લાગે  તો  ડરે

તે   પછી   અંધાર  લાગે  આભમાં
એક   તારો  આંગણે   આવી   ખરે

તું   ઈશારે  વાત  સમજાવે  જતી
ભીતરે રણઝણ પછી  રણકયા  કરે

– અમિત ત્રિવેદી

સગપણ…

No Comments

સગપણ  બધાં તોડી   કરી  છે માપણી
કોની હતી?, કોની   હશે  આ   છાવણી?

માણસ   હતો,   ઠંડી  હતી, મૃત્યું   હતું
શું  કામની છે  ત્યાં  હવે  આ   તાપણી?

બંધન   તને   લાગે   હવે  તારી   વફા
ઘરની બધી  ખોટી  પડી   છે  માપણી

શંકા   તબીબોને       સતાવે   મોતની
આ  ખૂનને બદલે મળી   છે    લાગણી

મારા   હિસાબે   લાગણી   ખોટી  પડી
પાડી હતી તે ‘ના’ અને  મેં   ‘હા’ ગણી

– અમિત ત્રિવેદી

માણસો

No Comments

ભીડની   વચ્ચે   રહ્યા   છે  માણસો
સાવ  ખોટા   નીકળ્યા છે  માણસો

કાળજું   તોડી   ગયા   જે  માણસો
ભીડમાં  જોવા  મળ્યા  છે  માણસો

માણસો  યે  ક્યાં રહ્યા  છે માણસો
વાત  એ કરતાં  રહ્યા   છે  માણસો

લાગણી   એ     ચીતરીને    કાગળે
રંગ  જોવાને   મ ળ્યા  છે  માણસો

આયના   સામે   રહી    તું  પૂછજે
માણસો યે ક્યાં રહ્યા  છે  માણસો

– અમિત ત્રિવેદી

રણકે શ્રધ્ધા

No Comments

રણકે શ્રધ્ધા જો   તું   સમજણ  રાખે
ઈશ્વર   દરિયા નીચે   રણ  પણ રાખે

મારો   પડછાયો  પણ મારો ક્યાં  છે?
એ   તો   સૂરજ સાથે  સગપણ  રાખે

લીલાં   સપનાં   રાખી   સૂતા  હો તો
લીલી   ભીનાશો   સૂરજ   પણ  રાખે

એ   મંદિરમાં   રોજે   રોજ   જવાનો
ખોટું   શું? ત્યાં  બીજું ઘર પણ રાખે

તું   માણસ   વચ્ચે માણસ શોધે છે?
જળમાં ડૂબી જળમાં પરજણ રાખે?

હૈયામાં   તું   નામ   કશું   પણ રાખે
રગ રગમાં   દોડી એ સગપણ  રાખે

– અમિત ત્રિવેદી

ઝળહળ થશે….

No Comments

સૌ  પ્રથમ  તો તું  ખળભળ થશે
છેવટે    તું    જ   ઝળહળ    થશે

દોડ    મારી       કટોકટ     હશે?
એ   વળી   એક  અટકળ   થશે?

તું    કિનારે     ભલે     શાંત    હો
જળમાં જો, તું જ ખળખળ  થશે

તું   સઘળાં     ગણિત      છોડજે
લાગણી   ખૂબ    ઝળહળ   થશે

શ્ચાસ     છૂટે       પછી    આવશે
આખરી   એક    અટકળ    થશે

– અમિત ત્રિવેદી

ભીતરે શું વળી રાખવું

No Comments

ભીતરે     શું   વળી  રાખવું
મન કળે   તો કળી  જાણવું

ચાંદની  તો   ગમે  તે   છતાં
રાતભર  ક્યાં સુધી  જાગવું

આમ   તારા  વગર ના ગમે
ખાલીપો   કેમ   હું  ખાળવું

વાત તો   સાવ  સાચી હતી
સત્યને   ક્યાં   લગી રાખવું

પાંદડા   ડાળ  પર  ખીલશે
છાંયડે   ક્યાં  સુધી ભાગવું

બંધ  મુઠ્ઠી  સવા   લાખની
લઈ   ઉદાસી ક્ષમા દાખવું

– અમિત ત્રિવેદી

વંદન કરતો

No Comments

 

 

વંદન    કરતો    કરતો,   માફી   ચાહું  છું ,
ભીતરને    અજવાળી,  અક્ષ્રર  છાપું   છું.

જીવનપથ   પર  ચાલીને  હરપળ  હું  તો
સૌના  ચ્હેરા    ઉપર    ઈશ્વર    વાંચું   છું.

લંબાતો આ   માર્ગ   ભલેને  લાગે   પણ,
હસતાં   હસતાં   દુર્ગમ   રસ્તો  કાપું  છું.

ચાહું   છું   હું   સૌની   જાતને   એ  રીતે,
ઈશ્વર   સાથે    જેવો    નાતો   રાખું  છું.

કોઈ દિ’ ભૂલો કયાં શોધું   છું  બીજાની?
ખોવાયેલી પળ નિજની ખોળી લાવું છું.

– અમિત ત્રિવેદી

…. છલકાય છે,

1 Comment

 

વાત દરિયાની કરી છલકાય છે,
છીપલું  મોતી  ધરી મલકાય છે.

ભીતરે    તોફાન   ઉઠે  તે   છતાં,
મૌન ખામોશી બની અકળાય છે.

વાત દરિયો  શું  કરીને  જાય છે,
ચાંદ તો ડૂબી જવા લલચાય છે.

ભીતરે શું?   જાણવા રેતી  બની,
ઝાંઝવાની  હોડમાં  ખડકાય  છે.

આમ દરિયો કેમ ઘૂઘવતો હશે?
એ વળી શું  જોઇને અકળાય છે?

 

– અમિત ત્રિવેદી

… તું જ ઈશ્વર

No Comments

તું   જ  ઈશ્વર  બની જાય  છે
શ્વાસ  છેલ્લો  કહી   જાય   છે

ચીતરું   નામ    મારું    છતાં
નામ  તારું    રહી   જાય  છે

વેદના   કે    ખુશી   જે  હશે
જિંદગી   તો  વહી  જાય   છે

એ   નજરને  મિલાવી  પછી
બંધ   બારી   કરી  જાય  છે

જિંદગી   તો  વહી  જાય  છે
આખરે  શું    રહી   જાય  છે

તું   જતી   તો રહે  છે પછી –
ફૂલ એક  ત્યાં  ખરી જાય છે

–  અમિત ત્રિવેદી

Older Entries Newer Entries