શરમાઇ છે

Comments Off on શરમાઇ છે

આજ અવસર છે અનેરો દાદાને દરબારે
ખુદ  યમરાજે   હોઠે   ધરી  છે    શરણાઇ

મારી   દીકરીની   શરણાયું  વાગીને
મારી લાડલી જુઓને કેવી છે શરમાઇ

મારી ખોવાયેલી દીકરીની આંગણી પકડી
હરિએ     વરસાવી    છે     દેવતાઇ    મ્હેર

અવસરો  તો   રૂડાં  અહીં   કે   તહી
પણ  જુઓને  એમાં  કેટલો  છે  ફેર

રેશમી  આ  જીવતરનું પાનેતર ઓઢી
લાડલી  જુઓને   કેવીક    છે  મલકાઇ

ડૂબતી આંખોને હવે  પાંપણના ફાફાં
પછી અવકાશમાં  ડૂબતુ  મારું  મન

કોઇ આવી પૂછે તો એને  હું  કહું
કેવાં રે  મેં  એનાં કર્યાં છે જતન

મારાં રૂંવે રૂંવે  પગટયા  દીવા  અખંડ
મારી ભીતરે વાગી  છે ઝીણી શરણાઇ

–  અમિત ત્રિવેદી

નોંધ  : ખૂબ જ નાની વયે વિદાય થયેલી   સ્વ. રાજીને અંજલિ  આપતું આ ગીત

મા ના આશિષ

Comments Off on મા ના આશિષ


મા ના આશિષ

ન   ભાસે   તને   દૂરનું    કદી   કોઇ   ઘોર   અંધકારે
તારલિયા    નભના   હંકારે   તારી    નૈયા   મઝધારે

તારાં   સપનાઓને  ઉઠાવે  સૃષ્ટિના  સઘળાં  પવન,
તું  ઉઠે, ઉડે,  અને   વિહરે બસ  એ જ   મારું   સ્તવન

તું  જ  તારો પથિક છે  જાણી, લઇ  લે તું આત્મશરણ,
પરમ શાંતિ,પરમ  સત્ય,  પરમ આનંદ આત્મશરણ

મૌન  વૃક્ષ   પર   ફૂલો  ખીલી ગાય છે મધુર  સંગીત,
કદીક  તું   પણ   મૌન  ધરી  ગા  જે  જીવન  સંગીત

હુંફાળા  હાથેથી   સતત  રમી   છું  તારા  અધરોથી,
સદા  વહે   સુંદર   દિવ્ય  પ્રાર્થના  તારા  અધરોથી

–  અમિત ત્રિવેદી

નવકાર મંત્ર

Comments Off on નવકાર મંત્ર

બોલીએ   નમો  મહાવીર , બોલીએ નમો ત્રિશલા નંદા
વંદન   કરીએ  મહાપ્રભુને   ,  નિરખી   નિમઁલ આંખોમાં

વંદન    કરીએ     અરિહંતને  ,   ૐ   નમો    અરિહંતાણં
ધ્યાન   ધરી   સિધ્ધ   ભગવંતોનુ  ,  ૐ  નમો સિધ્ધાણં

મન  સ્મરીલે  આચાયૅ દેવોને ,  ૐ  નમો  આયરિયાણં
વંદન    ઉપાધ્યાય   દેવોને  ,  ૐ   નમો   ઉવજ્ઝાયણં

તમે   અમારા   તારણહારા    ગાઇએ    તવ   ગુણગાન
વંદન  સઘળા  સાધુજનોને  ,  નમો  લોએ  સવ્વસાહૂણં
રોમ  રોમમાં  પુલકિત  થઇને   પંચ દેવને  નમન કરો
પળે   પળે   સૌ  જપતા  રહીએ ,  અસો પંચ  નમુક્કારો

દૂર   થશે  સઘળા  પાપો , નિત્ય    હૈયે   નવકાર  ગણો
અર્થ એનો સૌ સહુ  સમજી લઇએ , સવ્વપાવપ્પણાસણૉ

મંત્ર એક નવકાર જગતમાં સર્વ મંગળોમાં અતિ મંગળ
મંગલાણં    ચ    સવ્વેસિં  ,   પઢમં      હવઇ    મંગલમ્

                                                             –  અમિત ત્રિવેદી

દરિયા જેવો દરિયો છલકે …..

Comments Off on દરિયા જેવો દરિયો છલકે …..

દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે
રોમે રોમે વ્હાલમ મલકે એવી વાત કહ્યી  છે  તે

શબ્દો લઈ લખવા બેસુ તો
        વાત વહે ખળખળ
અમથી અમથી બેસી રહું તો
        આંખ્યુંમાં જળજળ

અરીસામાં  ચહેરો  અટકે એવી વાત કહ્યી   છે  તે
દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે

        શમણાઓનું રેશમ છે
                તું મુજ અંગ પર બિરાજ
        હૈયું ઝંખે હૂંફ તો
                વહાલમ    રાજાધિરાજ

હોઠેથી   ટહુકો  છટકે  એવી  વાત   કહ્યી  છે  તે
દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે 

                                                   – અમિત ત્રિવેદી

રાધા

Comments Off on રાધા

રાધાને એક દિવસ સપનું આવ્યું  કે મારો માધવ  રિસાયો
ભયભીત થઇ  રાધાને લાગ્યું કે  સોનેરી  માળો  વિખાયો

હું તો અમથી ટોકતી‘તી શ્યામ
ગોપીઓની કયાં છું હું  વેરી ?

એતો યમુનાના  વહેણમાં ને
ગોકુળની હવામાં ઊઠી લ્હેરી

શ્યામ, ભલે તમે  વૃંદાવનમાં મનફાવે  તેમ આવો ને  જાવો
શ્યામ  મારા  છે એનો ક્યાં હું  કરું  છું સાવ  પોકળ  દાવો?

એમાં શું  વાંક તારો ?
ગોપીઓ ટોળે થૈ લે છે ઓવારણા

મોરપીંછના હળવે ટકોરે
ગોપીઓ  ખોલે  છે બંધ  બારણા

રાધા હવે આંખ નહીં મીંચે, એને મળ્યો છે,  માધવ  હુંફાળો
અધરાતે   મધરાતે   હૈયાને   અકળાવે    માધવ    રૂપાળો

– અમિત ત્રિવેદી

Older Entries Newer Entries