મારા ઘરની દીવાલ ને પડછાયે કોઈ અટક્યું છે
હવે સૂરજ ને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે

સ્મરણો પણ અહીં કેવાં હળ્યાં મળ્યાં છે
હવે ઘટનાને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે

આમ અમસ્તાં જ નીકળ્યા હતા રસ્તે અમે મળ્યા
હવે કારણ ને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે

પર્ણને પડછાયે કોઈ આવી અટક્યું છે
હવે પાનખર ને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે

ગઝલના મત્લાના કાફિયામાં કોઈ આવ્યું છે
‘અમિત’ ને કહો કે લખે જાય કોઈ મલ્કયું છે

-અમિત ત્રિવેદી

સ્વરઃ રવિન નાયક
સ્વરાંકન :રવિન નાયક