…. ઢળો તો હવે

Comments Off on …. ઢળો તો હવે

ઝાકળે    ઝાકળે    રૂપ   ખીલી   ઢળો   તો   હવે
વાદળે   વાદળે   જળ   બનીને   વહો    તો  હવે

જો   શિકાયત  છે તમને  અને   વેદના  છે  બહુ
ઢાળ   મારી   તરફ   છે   વફાથી  ઢળો  તો  હવે

કાનમાં  રોજ  ભણકાર  તારા   સતત   હોય   છે
હો   ભલે  ને  નિરાકાર  ઈશ્વર    ફળો   તો   હવે

ભીંતને  છાંયડે   આવીને    કોઈ   અટકી    ગયું
સૂર્યને   કોઈ    થંભી   જવાને  ક હો    તો    હવે

હા  અને  ના  વચાળે  જો  રળિયાત છે  લાગણી
તો  વ્યથા  મારી  સમજીને  પાછા વળો  તો હવે

  –  અમિત ત્રિવેદી

…. સનાતન સમજીને ચાલે

Comments Off on …. સનાતન સમજીને ચાલે

આંખો   મીંચી   ઈશ્વરનું   સ્મરણ    જો  જાગે
બસ   તું   એને  જ  સનાતન  સમજીને ચાલે

ધીરે    ધીરે      ઈશ્વરને      તારામાં     જોયો
હરતું   ફરતું    મંદિર    ચાલે    મારી    સાથે

હું  તારામાં    ખોવાયો    છું,   બસ   તારામાં
તારી  ને  મારી   મંઝિલ    ઝળહળતી   આવે

દરિયો  કે  મૃગજળ રેતી એકસરખી તરબોળ
જોનારાને   એ      દ્રષ્ટિભેદ      ભલે    લાગે

ઘોડા   દોડાવી    દોડાવી   તું     ક્યાં   દોડે ?
ધમધમતો   સૂરજ  પણ  સાંજે નમતો લાગે
– અમિત ત્રિવેદી

શ્વાસ સાથેની રમત…..

Comments Off on શ્વાસ સાથેની રમત…..

શ્વાસ   સાથેની  રમત એ  તો  રમાડે
જો  ડરીએ   હારથી   તો   એ  પછાડે

ઝાંઝરીએ     કોતરી    ઝંકાર     હૈયે
સાવ  સુના  ખંડમાં  એ  શું  જગાડે ?

એ  ગજુ  મારું  નથી, લે  જીત  તારી
એ  રમતને   કેમ  પાછી  તું  રમાડે ?

સાંજ  જેવી સાંજ  ને એમાં  મળે  તું
એ જ જંતર , એ જ મંતર  તું  વગાડે

મંદિરે   હું    રોજ   આવીને   કહું   કે
એક  સેલ્ફી   તું   હયાતી   નો  પડાવે

– અમિત ત્રિવેદી

વંદન હું કરતો કરતો, માફી ચાહું છું

Comments Off on વંદન હું કરતો કરતો, માફી ચાહું છું

 

[wonderplugin_audio id=”14″]

 

વંદન હું   કરતો    કરતો,  માફી   ચાહું છું ,
ભીતરને   અજવાળી હું , અક્ષ્રર છાપું  છું.

જીવનપથ પર ચાલી ચાલી હરપળ હું  તો
સૌના  ચ્હેરા  ઉપર   ઈશ્વરને   વાંચું   છું.

થાકી   જાઉં   રસ્તો લંબાતો  લાગે   પણ,
હસતાં   હસતાં   દુર્ગમ   રસ્તાને  કાપું  છું.

સૌની   સાથે   એવી   રીતે   જીવું   છું  કે –
જેવો ઈશ્વરની   સાથે     નાતો   રાખું  છું.

કોઈ  દિ’ ભૂલો  ક્યાં શોધું   છું  બીજાની?
ખોવાયેલી પળ  નિજની ખોળી  લાવું  છું.

 

– અમિત ત્રિવેદી

આ કોની આંખે ચડેલું ગામડું છે?

Comments Off on આ કોની આંખે ચડેલું ગામડું છે?

આ  કોની  આંખે  ચડેલું  ગામડું  છે?
એ   વળી   કોને   નડેલું   ગામડું   છે

આ   ગગનચુંબી  મકાનો  તો નગરના,
ચાસ   પાડીને     લખેલું   ગામડું   છે

શબ્દ  ધોબીનો  અને  વનવાસે સીતા
મોંઘી    ગાડીને   નડેલું    ગામડું    છે

પાન  પાને,  ડાળ  ડાળે   ઝૂલતું   એ
આ  કોની  આંખે ચડેલું  ગામડું   છે?

ને     પુરોગામી    તરફથી    ઊતરીને
હાથથી   સરકી   ગયેલું   ગામડું   છે

– અમિત ત્રિવેદી

Older Entries Newer Entries