નવલિકા

 

1.   શ્રીમતિ શ્રવણ

ગાડીમાં બેસતા નિલમે પૂછ્યું – શું બધા ઓલરાઈટ છે ને ?

બાપુજી  કેમ છે અને બા ના પગે કેમ છે ?

હેમંત મને આશા છે કે આ વખતે જે હું હરદ્વારથી દવા લાવી છું તે બાપુજી ને જરૂર અસર કરશે.

મને તો હવે એલોપેથી દવા ઉપર શ્રધ્ધા જ નથી રહ્યી. મને તો લાગે છે કે બાપુજી ની તબીયત એલોપેથી દવાને કારણે જ વધુ બગડી છે .

નિલમ ના બા – સરલાબેન અને બાપુજી  – રમેશભાઈ તેમની સાથે જ રહેતાં હતાં. રમેશભાઈને અલ્ઝાઈમર નામના રોગથી પીડાતા હતા. દવાની કોઈ ખાસ અસર થતી નહોતી .

પાર્થ ગાડીમાં પાછલી સીટ ઉપર બેસીને એકધારો નિલમ ની લાક્ષણિક મુદ્રાઓનો અભ્યાસ કરી રહ્યો હતો આ ઉંમરે પણ પોતાની મમ્મીને એના બાપુજી  માટેની લાગણી જોઈ એ મનોમન વંદન કરી રહ્યો. અમેરિકામાં આ બધું લોકોને અજુકતું જ લાગે. કોઈ ડોકટર દર્દીના કાર્ડિયોગ્રામ લેતા હોય તેમ પાર્થ નિલમ ના સંવેદનોનો ગ્રાફ પોતાના હ્રદય ઉપર અંકિત કરી રહ્યો હતો.નિલમ  સંસ્કારની સુંદર લિપીથી પાર્થની જીવનકથા લખી રહ્યી હતી .

મા, આશામાસી પણ કહેતા હતાં કે તારી મમ્મી તો જો કેટલી લાગણીશીલ છે, છેક છેલ્લી ઘડીએ ભારતથી અમેરિકા આવતાં બાપુજી  માટે દવા લેવા માટે હરદ્વાર ગઈ.

પાર્થને પોતાની મા ને સંબોધવા માટે પારકી ભાષાનો શબ્દ મમ્મી નો સહારો લેવાનો પસંદ નહોતો તેથી તે તે નિલમને મા કહ્યીને જ બોલાવતો હતો.

મા, તારે જો ભારત પાછા જતાં રહેવું હશે તો આપણે બધાંજ ભારત પાછા જતાં રહીશું.ભારત પણ ક્યાં હવે પાછળ છે, આપણા દેશે પણ કેટલી બધી પ્રગતિ  કરી છે.

નિલમ આ વખતે જ્યારે પણ ભારતથી હેમંત અને પાર્થ જોડે ફોન ઉપર વાત કરતી ત્યારે હસવામાં કહેતી કે હવે તો હું અમેરિકા પાછી આવવાની જ નથી.તમારે લોકોને જ્યારે પણ ભારત પાછા આવવું હોય ત્યારે આવજો.અને તેથી જ પાર્થના મનમાં આ સવાલ સતત ઘૂંટાયા કરતો હતો અને તેથી જ નિલમના આવતા વેંત એણે સીધો જ સવાલ પૂછી લીધો.

વાતાવરણની ગંભીરતા તોડતાં હેમંતે કહ્યું –  તારી મમ્મી હવે દર વરસે ભારત જવાની છે અને આપણે દર વરસે આમ એરપોર્ટ ઉપર એક નવલી ભારતીય આદર્શ નારીનું સ્વાગત કરવાં આવવાનું છે.ચલો હવે વધારે મોડું કર્યાં વગર ગાડીમાં બેસો નહીંતર ટ્રાફીક પોલીસ આપણને ટીકીટ આપી જશે એમ કહ્યી હેમંતે ગાડી ઘર તરફ હંકારી લીધી .

હેમંત અને નિલમ  અહીં અમેરિકામાં મોટેલ ચલાવતાં હતાં.એ જ્યાં રહેતાં હતાં ત્યાં ભારતીયો ખૂબ ઓછા પ્રમાણમાં રહેતા હતાં. રમેશભાઈ નિલમ ના હઠાગ્રહથી જ અમેરિકા રહેવા આવી ગયાં હતાં. સરલાબેનને ઘણી વખત પુત્ર ન હોવાનો  વસવસો વ્યકત કરતાં ત્યારે રમેશભાઈ હંમેશ કહેતા નિલમ  મારો દીકરો જ છે.  

હેમંત પણ બન્નેને ખૂબ જ પ્રેમ કરતો હતો. એ પણ હંમેશ સરલાબેન ને કહેતો –

મમ્મી તમારી ફરિયાદ એક પુત્ર ન હોવાની હતી તો લ્યો ઈશ્વરે તમને બબ્બે પુત્રો આપી દીધા અને મજાકમાં કહેતો કે હું તો તમને રેડીમેઈડ મળી ગયો છું. નિલમ  સાથેના લગ્ન પછીના બે વર્ષના ટૂંકા સમયમાં જ હેમંતે તેના મમ્મી અને પપ્પા એક રોડ અકસ્માતમાં ગૂમાવી દીધા હતા.

હેમંત જાણતો હતો કે રમેશભાઈને એ વાતનું સતત દુઃખ રહેતું હતું કે તેઓની સારવાર તેની પાસે કરાવવી પડતી હતી.

રમેશભાઈ કહેતા – હેમંત તું મારો દીકરો જ છે પણ સરલાની કૂખે  તું  જનમ્યો  નથીને એટલે અમને દુઃખ છે કે તારે અમારી સેવા કરવી પડે છે .

હેમંત રમેશભાઈની પુત્રએષણા જાણતો હતો એટલે એ જ્યારે પણ આવી વાત નીકળતી ત્યારે ખૂબ નજાકતથી વાતને વાળી ને બદલી નાંખતો.

હેમંત હાથમાં ચાનો કપ રમેશભાઈના હાથમાં પકડાવી દેતો અને પૂછતો –  કપમાં એક ચમચી ખાંડ નાંખી છે વધુ એક  ચમચી ખાંડ નાંખું  હેમંત જાણતો હતો કે રમેશભાઈ અચૂક બીજી ચમચી ખાંડ માંગશે એટલે એ ખોટું જ કહેતો કે એક ચમચી ખાંડ નાંખી છે. રમેશભાઈને ડાયાબિટીસ નહોતો પણ સુગર થોડી વધુ રહેતી હોવાથી ડોકટરે ખાંડ ઓછી ખાવા કહ્યું હતું.

નિલમ  બાપુજી  અને હેમંતના આવા સંવાદો સાંભળીને મનોમન ખુશ થતી હતી.નિલમે પરદેશની ભૂમિ ઉપર એક આદર્શ માળો ગૂંથ્યો હતો. આ માળાની એણે એવી રચના કરી હતી જેથી સૌને એમ લાગે કે આ માળાના સરખા ભાગીદાર છીએ.એ જ તો નિલમની ખૂબી હતી.આવી સુંદર રચના કરવા માટે એણે વાસ્તું શાસ્ત્રનો સહરો લેવા કરતાં સંસ્કાર નો પાયો મજબૂત નાંખી એના ઉપર વધારે આધાર રાખ્યો હતો.

—-

નિલમ  ઘડિયાળમાં જોતો ખરી કેટલા વાગ્યા. રાત્રીના બે વાગવા આવ્યાં છે અને તું ક્યારની

ઈન્ટર નેટ ઉપર બેઠી છું.

હા, હેમંત હું બધી માહિતી ભેગી કરી રહ્યી છું. બાપુજી ની અને બાની ભારતની ટ્રીપ ખૂબજ સરસ રીતે પ્લાન કરવી છે અને તું પણ તો ભારતથી આવ્યા પછી પહેલી વખત જ ભારત પાછો જઈ રહ્યો છે .

નિલમ  ભારતથી આવ્યા પછી બાપુજી ને નિયમિત હરદ્વારથી લાવેલ દવા આપવાથી બાપુજી ને ઘણું સારું સારું લાગતું હતું.તેથી જ તો તેઓ એ નક્કી કર્યું હતું કે બાપુજી ને થોડો વખત ભારત લઈ જઈ ત્યાં સારવાર કરવી.થોડો તેમને પોતાના ઘરમાં રહેવાનો આનંદ રહેશે અને થોડો વખત હરદ્વારમાં રહેશે તો સારું પણ લાગશે. ભારતમાં હતાં ત્યારે બા અને બાપુજી  વરસમાં એક વખત તો જરૂરથી કોઈને કોઈ ધાર્મિક સ્થળે બધાંને ફરવા લઈ જતાં.

નિલમ,  પણ મને લાગે છે કે તું જ બા તથા બાપુજી  સાથે ભારત જઈ આવે તો સારૂં.એમને પણ સારૂં લાગશે. હેમંતે નિલમ ના માથા ઉપર હાથ ફેરવતાં ખુરશી પાછળ ઉભા રહ્યી વાત છેડી.

હેમંત, મેં બધી વાતનો વિચાર કર્યા પછી જ નિર્ણય કર્યો છે કે તું જ બા તથા બાપુજી  સાથે ભારત જઈ આવ.એક તો તું ભારતથી આવ્યાં પછી એક પણ વખત ભારત ગયો નથી અને તને ખબર નથી કે બા  બાપુજી ને તારી સાથે ભારત જવાની કેટલી મજા પડશે. દરેક મા બાપની ઈચ્છા હોય કે તેમનો પુત્ર તેમને વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરાવે.આ લોકોએ પણ એક એવી ઝંખના કરી છે અને મને લાગે છે કે તારામાં એ ઝંખના પૂર્ણ થશે.તને ખબર છે કે બાપુજી  બધાને કહેતાં હોય છે કે હેમંત તો એમનો શ્રવણ છે.

નિલમ, તારી વાત સાચી પણ તું તો એમનું એક અંગ છે. મારી અને તારી વાત જુદી છે.મને લાગે છે કે એમને તારી સાથે વધુ સારું લાગશે.મારી ઈચ્છા છે કે તું શ્રીમતિ શ્રવણ બની જા.ઈતિહાસમાં ક્યાંય શ્રીમતિ શ્રવણના પાત્રનો ઉલ્લેખ નથી પણ તારે એ પાત્રને જીવંત કરવાનું છે . નિલમ તને સાચું કહું બાપુજી જ્યારે આપણા હિંચકા ઉપર બેસીને કવિશ્રી મકરંદ દવેનું ગીત ગાતાં સાંભળું છું ત્યારે હું એકદમ લાગણીવશ થઈ જાતો હોઉં છું અને અંતરથી હું રડી પડતો હોઉં છું.

કયું ગીત નિલમે લાગણીવશ થઈ ખુરશી ઉપરથી ઉભા થતાં પૂછ્યું –

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,

નિલમે હેમંતનો હાથ પકડી લીધો. નિલમ અને હેમંતે બન્ને એ એકબીજાના હાથ પકડી ગીત ગાતાં ગાતાં બાપુજી ના રૂમમાં જઈ એકી અવાજે  જ બોલી ઉઠ્યાં –

બાપુજી  તમારે અને બાએ  હેમંત સાથે ભારત જવાનું છે અને આટલું કહેતા તો નિલમ રડી પડી

બાપુજી  તમે ભારત જાઓ અને જલ્દી જ્લ્દી સાજા થઈને પાછા અમેરિકા આવો.હેમંતે હાથમાંનો કાગળ બાપુજી ને આપી બોલ્યો જુઓ બાપુજી  તમારી દીકરીએ તમારી ભારત યાત્રાની આખી રૂપ રેખા બનાવી છે.આપણે કઈ તારીખે ક્યાં અને કોની સાથે જવાનું એ બધું જ એણે તૈયાર કરી દીધું છે.

બાપુજી , જૂઓ આપણે ૧૫મી સપ્ટેમ્બરે અમદાવાદ પહોચ્શું પછી ત્યાંથી સીધા આપણે વડોદરા જઈશું. હેમંતે વિગતવાર માહિતી આપવા માંડી. અંતે હેમંતે કહ્યું – બાપુજી  મારે એક જાહેરાત પણ કરવાની છે એમ કહ્યી એણે કહ્યું કે ૧૫મી ઓકટોબરે નિલમ આપણને મળવા માટે પાર્થને લઈને ભારત આવી પ્હોંચશે.
નિલમ આ સાંભળીને એકદમ આશ્ર્ચર્ય ચકિત થઈ જઈ હેમંતને એકદમ જ ભેટી પડી અને પછી શરમાઈ જઈ બાપુજી ને સોરી કહ્યી બીજા રૂમમાં દોડી ગઈ.અને બરાબર એ જ વખતે પાર્થનો અવાજ સંભળાયો   क्या बात है……..

પાર્થ તેઓ ના ઘરેથી લગભગ ૧૦૦ માઈલ દૂર કોલેજમાં હોસ્ટેલમાં રહ્યીને ભણતો હતો. પાર્થ કોલેજથી આવે એટલે રોજે તેનો ફોન નિલમની સાથે જોડીને સ્પીકર ચાલું કરી દેૢ બસ આજ એનો નિત્ય ક્રમ બની ગયેલો.અને તેવી જ રીતે નિલમ પણ પોતાનો ફોનનું સ્પીકર ચાલું કરી દેતી અને પછી બન્ને જણા પોત પોતાનું કામ કરે રાખતાં અને વચ્ચે એક બીજા સાથે વતો કરતાં રહેતા જેથી એવું જ લાગે કે તેઓ એક જ ઘરમાં સાથે જ રહે છે અને એક બીજા સાથે વાતો કરતાં હોય.

——–

હા, હેમંત તું જે મંદિરે છે તેનાથી થોડાંક જ દૂર એજ રસ્તે સીધો જા ત્યાં બીજું મંદિર છે  બહું સરસ છે એ મંદિર એ શિવજીનું મંદિર છે બાપુજી ને ત્યાં ખૂબ જ ગમશે.બાને કેમ છે એમના પગે તો સારું છે ને ? હેમંત બા અને બાપુજી ને કારમાં લઈને હરદ્વારમાં ફરી રહ્યો હતો અને નિલમ તેની સાથે ફોન ઉપર સતત વાતો કરી ને બધી સૂચનાઓ આપી રહ્યી હતી જેથી એવું લાગી રહ્યું હતું કે જાણે એ પણ કારમાં બેઠેલી ચોથી વ્યકિત હોય અને બધા સાથે કારમાં બેસીને હરદ્વારમાં સાથે ફરી રહ્યા છે.

નિલમ ભારત આવી ત્યારે તેની હરદ્વારની મુલાકાત દરમ્યાન બધી વિગતો જાણી લાવી હતી અને એ પ્રમાણે હેમંતને સૂચનાઓ આપી રહ્યી હતી.રમેશભાઈ અને સરલાબેન એક નવો જ ઈતિહાસ લખી રહ્યા હતાં – એમના સદભાગ્યનો ઈતિહાસ શ્રી અને શ્રીમતિ શ્રવણ તેમને અલૌકિક યાત્રા કરાવી રહ્યા હતા એટલી જ અલૌકિક રીતે.

———–

હરદ્વારમાં આવ્યાં આજે બીજો દિવસ હતો. મંદિરની બહાર ગાડીમાં બેઠાં બેઠાં રમેશભાઈ ભગવાનનાં દર્શન કરી રહ્યાં હતાં. હેમંત બાનો હાથ પકડી સરલાબેનને મંદિરમાં લઈ જઈ દર્શન કરાવતો હતો.

સરલાબેન મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે ઉભા રહ્યી હેમંતને આશીર્વાદ આપતાં બોલ્યાં –

હેમંત બેટા તેં મારા કૂખે ન જન્મીને પણ મારી કૂખને  તીર્થ બનાવી દીધી છે . ભગવાનને  પ્રાર્થના કે આવતે ભવે તું મારી કૂખે જ જન્મે.

સાંજે બધે ફરીને હેમંત બા અને બાપુજી  આશ્રમની રૂમમાં આવીને આરામ કરતાં હતાં. હેમંતને થયું કે બજારમાં જઈને પાર્થ માટે થોડાં પુસ્તકો લઈ આવું એમ કહ્યી એ બજાર ચાલી ગયો.

થોડી વારે નિલમનો ફોન આવ્યો એટલે બાએ ઉંઘમાંથી ઉઠી ફોન લીધો .

કેમ છે બા ?
બેટા કેમ તેં આ ટાઈમે ફોન કર્યો બધું બરાબર તો છે ને અત્યારે તો ત્યાં વ્હેલી સવાર હશે રાત ભર તું અમારી સાથે વાત કરતી રહ્યી છે અત્યારે તો થોડું સૂઈ જવું હતું

હા બા હું તો સૂતી જ હતી પણ મને જરા સપનું આવી ગયું અને હું જાગી ગઈ તને સાંભળીને હસવું આવશે એટલે થયું કે લાવ તમને લોકોને જણાવું. તને યાદ છે આપણે નવાં નવાં અમેરિકા આવેલા ત્યારે આપણને જરા પણ ગમતું નહોતું પાર્થ ખૂબ રડતો, મોટેલ આપણે નવી જ શરૂ કરેલીએ હતી એટલે ઘણી ખરી રૂમો ખાલી રહેતી હતી બાપુજી  કહેતાં ચાલ આપણે થપ્પો રમીએ આજે ઘણા વખતે સપનામાં આ બધી વાતો યાદ આવી એટલે મને થયું ચાલ તમારી સાથે વાતો કરૂં અને બાપુજી ને પણ બધું યાદ કરાવું એમને પણ સાંભળીને હસવું આવશે.

હલ્લો બા  કેમ તું બોલતી નથી ?

સાંભળે છે ?

નિલમ બોલતી રહ્યી પણ સરલાબેને કોઈ જવાબ ના આપ્યો

થોડી વારે નિલમને સરલાબેનનો દૂરથી રડતાં રડતાં બોલતાં હોય એમ સંભળાયું

હા દીકરા તારા બાપુજી  તારી સાથે થપ્પો રમવા નીકળી  ગયા

હવે આપણા સૌનો વારો છે એમને શોધવા જવાનો

——–

બીજે દિવસે સવારે હેમંતે બાની અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં શ્ર્લોકોના સ્મરણ વચ્ચે રમેશભાઈના દેહને અગ્નિદાહ દીધો

નિલમ અમેરિકા બેઠાં બેઠાં ફોન ઉપર શ્ર્લોકો સાંભળતાં સાંભળતાં મનોમન વિચારતી રહ્યી કે બાપુજી ને ભારત મોકલવાનું નક્કી  કર્યું ત્યારે બે ઘડી તો એને પણ મન થઈ ગયું હતું કે હેમંતને બદલે એ પોતે જાય પણ પોતાના મન  ઉપર કાબુ રાખીને નિર્ણય કર્યો કે હેમંત જાય તો બા બાપુજી ને પુત્રે જાત્રા કરાવ્યાનો આનંદ મળે અને હેમંતને પોતાના માત પિતાને જાત્રા ન કારાવ્યાનો વસવસો ના રહે એના મનની ઈચ્છા એ પોતાના બા બાપુજી માં પૂરી કરે.

રમેશભાઈની પુત્રએષણાની જ્યોત સદાય માટે અમર થઈ ગઈ

                                                                           – અમિત ત્રિવેદી

2.   ભાગ્ય કે ભૂલ

ઘણાં વખતે આજે ડી.વાય.એસ.પી. સાહેબ ઘરે હતા. બંગલાના પહેલા માળે આવેલ બાલ્કનીમાં મૂકેલ ઝુલા ઉપર તેઓ બેઠાં બેઠાં કંઈક ભારે ઉદાસીનતા અનુભવતાં હતાં. સાંજનો સમય હતો. ઋતુ હજુ નક્કી નહોતી કરી શકાતી. બપોરના આકરા તાપ પછી, સાંજની ગુલાબી ઠંડી કંઈક વિસ્મય તો કંઈક રાહત આપી જતી હતી. ગગન કેટલું પણ વિશાળ હોય પણ તેણે તો કાં તો સૂરજની રંગે રંગાવવાનું કે ઝળહળવાનું કાં તો ચંદ્રના રંગે આછા અજવાળે તારા મંડળની મદદે દળદળવાનું. બંગલાના કંમ્પાઉન્ડમાં રાધા વાસીદું વાળી રહી હતી. રાધા લગ્ન પછી આજે પહેલી વખતે ઘરે આવી હતી. વાસીદું વાળતાં વાળતાં તે મનમાં વિચારતી હતી કે ઉપરવાળો શું વિચારતો હશે ? એના માટે તો ઉપરવાળો એટલે પહેલા માળે ઝૂલા પર બેઠેલા ગોહિલ સાહેબ. એનાથી વધારે ઉપર તે કશું વિચારી શકે તેમ નહોતી. ગોહિલ સાહેબ એના માટે ઈશ્વરથી પણ વધારે હતા.

ગોહિલ સાહેબ નીચે રાધાને જોઈને વિચારે ચડી ગયાં. આજથી લગભગ દશ વર્ષ પહેલાંની ધોધમાર વરસતી રાત હતી. વીજળીના કડાકા વાતાવરણને ભયાનક બનાવે એના કરતાં પણ વધારે ભયાનક મન:સ્થિતિ ગોહિલસાહેબની હતી. એક સાવ ગરીબ બાઈ પોલીસચોકીમાં તેમની પાસે આવી પોતાનો અસંખ્ય કાંણાવાળો પાલવ પાથરી વિનંતી કરી રહી હતી.
‘સાહેબ એને મારશો નહીં, એને ક્ષય થયો છે.’
‘શું નામ છે તારું ?’
‘લક્ષ્મી.’

ગોહિલસાહેબ મનમાં ને મનમાં વિચારતા રહ્યા. નામ તો બિચારીનું લક્ષ્મી છે પણ કેટલું બધું દારુણ્ય છે એની જિંદગીમાં.
‘બોલો શું કામ છે ?’
‘સાહેબ આ ધનસુખને ના મારશો. મારો ધણી છે. સાહેબ, બીજું કંઈ નહીં તો મારી આ રાધાની તો દયા કરો.’ સાહેબે જોયું તો રાધા વરસતા વરસાદમાં એક ઝાડની નીચે ઊભી ઊભી રડી રહી હતી. જેટલા અમાસની રાતે આકાશમાં તારા હોય તેટલાં એની ઓઢણીમાં કાંણાં હતાં, છતાં એને ઓઢીને વરસતા વરસાદથી બચવાનો તે વ્યર્થ પ્રયાસ કરી રહી હતી.
‘લક્ષ્મી, તું રાધાને અહીં અંદર રૂમમાં લઈ આવ.’ સાહેબે લક્ષ્મીની આખી વાત શાંતિથી સાંભળી અને ધનસુખને નહીં મારવાની હૈયા ધારણ આપી.

ગોહિલસાહેબ આખી રાત સૂઈ ના શક્યા. મનોમન વિચારતા રહ્યા કે આમાં રાધાએ શું ગુન્હો કર્યો ? શા માટે એની જિંદગી આ રીતે જવી જોઈએ ? આટલા વરસોમાં કેટકેટલા ગુનેગારોને ગોહિલ સાહેબે જોયા હતા અને એમને રીમાન્ડ ઉપર પણ લીધા હતા; પરંતુ આજે કોણ જાણે કેમ તેઓ ખૂબ અસ્વસ્થ થઈ ગયા હતાં. આખી રાત તેઓ જાગતાં રહ્યા. સવારે પૂજામાં પણ એમનું ધ્યાન ન રહ્યું. ગોહિલ સાહેબનો નિત્યક્રમ ભલે ગમે તેવો ભરચક કાર્યક્રમથી ભરેલો હોય પણ સવારે પૂજા કર્યા વગર તેઓ ઘરની બહાર પગ મૂકતાં નહીં. એમણે એમની પત્નીને બોલાવીને કહ્યું, ‘ખમાબા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. જરા અંદરના ખંડમાં આવો ને.’ એમનાં પત્ની તેમની પાછળ અંદરના ખંડમાં ગયા અને પૂછ્યું :
‘બોલો શું કહેતા હતા ?’
‘ખમાબા, તમે કલ્પના કરી શકો છો એવી કે આપણો પપ્પુ ક્યાંક ખોવાય ગયો હોય અને વરસતા વરસાદમાં કોઈ ઝાડ નીચે પલળતો ઊભો હોય…..’
આટલું સાંભળતા તો ખમાબા એ ગોહિલ સાહેબના હોઠ ઉપર પોતાનો હાથ મૂકી રડી પડ્યા.
‘તમે કેમ આવું અમંગળ બોલો છો ? આજે તમને શું થયું છે ?’ ગોહિલસાહેબે ખમાબાને બધી વાત વિસ્તારથી કહી. ગોહિલસાહેબે તેમને કહ્યું : ‘ખમાબા, તમારી સંમતિ હોય તો આપણે આ રાધાને આપણે ત્યાં રાખી લઈએ તો ?’ તેઓ ગોહિલ સાહેબની વાતથી ખુશ થયા અને મનોમન એમણે પતિને વંદન કર્યા. તેમના મનમાં એ દિવસથી સાહેબ માટેનું માન ખૂબ જ વધી ગયું.

આજે રાધાની ઉંમર સત્તર વર્ષની થઈ. છેલ્લા બાર વર્ષથી એ ગોહિલસાહેબના ઘરે જ રહેતી હતી. હવે તે આ ઘરની સભ્ય બની ચૂકી હતી. ખમાબા પણ એટલાં જ પ્રેમાળ હતાં. એમણે રાધાને ઘરની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી હતી અને આ ઘરના સંસ્કાર આપ્યાં હતાં. રાધાની રીતભાત અને તેનું બૌદ્ધિક સ્તર જોઈને કોઈને એમ ન લાગે કે રાધા સાવ ગરીબ ઘરમાંથી આવતી એક દારૂડિયા માણસની છોકરી છે. બાળકના ઉછેર અને માવજત ઉપર એના સંસ્કારનો બધો આધાર હોય છે તેનું રાધા એક ઉત્તમ ઉદાહરણ છે. ગોહિલ સાહેબનું ધ્યાન ગયું કે રાધા નીચે વાસીદું વાળી રહી છે એટલે એમણે રાધાને ઉપર બોલાવી. તે આવીને બેઠી એટલે તેમણે પૂછ્યું :
‘કહે… કેમ છે તારો માધવ ?’
રાધાનું મનોજ સાથે વેવિશાળ થયું ત્યારથી હંમેશા ગોહિલ સાહેબ મનોજને જુદા જુદા કૃષ્ણના નામ લઈ બોલાવતા અને રાધાને એ બહાને જરા ચીડવતા. કોઈક વખત માધવ, તો કોઈક વખત ઘનશ્યામ તો કોઈ વખત કાનભાઈ કહી રાધાને હસાવતાં. રાધા થોડી ચીડાતી અને મનમાં ખુશ થઈ શરમાઈ જતી. ખમાબા એ બંને વચ્ચેની ધમાચકડી જોઈ ખુશ થઈ જતાં. આજે ગોહિલ સાહેબે રાધાના માથા ઉપર હાથ ફેરવીને પૂછ્યું કે કેમ રાધા તું કંઈ બોલતી નથી. બધું હેમખેમ તો છે ને ? અને રાધા એકદમ રડી પડી. ખમાબાએ આવી રાધાને પાણી પીવડાવી હૈયા સોંસરી ચાંપીને સાંત્વના આપી. રાધા ધીરે ધીરે સ્વસ્થ થઈને બોલવા લાગી.

‘સાહેબ, તમારી રાધાને તો તમે જતનથી સાચવીને રતન બનાવી દીધી. તમને યાદ છે જ્યારે તમે વળાવતા હતા ત્યારે તમે મને કહ્યું હતું કે ‘દીકરી, જેમ છોડને એક ક્યારામાંથી બીજા ક્યારામાં રોપવામાં આવે છે ત્યારે મૂળ ક્યારાની થોડી માટી છોડની સાથે રાખવામાં આવે છે. જેથી કરીને છોડ નવા ક્યારામાં ગોઠવાઈ ના જાય ત્યાં સુધી મૂળ એનું સિંચન કરે. એમ તું પણ આ ઘરના સંસ્કારને સાથે લઈને જઈ રહી છે.’ પરંતુ સાહેબ, બીજા ક્યારાની માટી જ સાવ પોકળ હોય તો શું ? એ છોડની લીલપ ક્યાં સુધી રહી શકે ? બા સાહેબ, તમને ખબર છે ? એ ઘરમાં તો કોઈ બહારથી ઘરમાં આવે તો હાથપગ ધોયા વગર ઘરમાં બધે ફર્યા કરે અને ખાવા પણ બેસી જાય ! અને સાહેબ, એ તમારા કાન, માધવ અને ઘનશ્યામ – એ તો સવારે ઊઠીને બ્રશ પણ કરતાં નથી. એમને હું ભગવાનની પ્રાર્થના કેવી રીતે શીખવાડું ?

બા સાહેબ, તમને યાદ છે એક દિવસ હું મોડી ઊઠી હતી. આગલી રાતે આપણે એક ફિલ્મની સીડી લાવેલા અને એ જોતાં જોતાં ખૂબ મોડું થઈ ગયેલું અને પછી બીજે દિવસે સવારે મારી આંખ મોડી ખૂલેલી. હું ઉતાવળે પ્રાર્થના કરવાનું ભૂલી ગઈ તો તમે બંને મારા ઉપર કેટલાં ગુસ્સે થઈ ગયેલા ? અને સાહેબ, તમે કહ્યું હતું કે ઈશ્વરની સંમતિ વગર આંખનું એક મટકું પણ આપણે ન મારવું જોઈએ. પ્રાર્થના એક એવું સંગીત છે જે ખળખળ વહેતી નદીની જેમ નિર્મળ હોય છે. એ આપણાં મન નિર્મળ રાખે છે – પણ ત્યાં એવું કશું જ નથી. ત્યાં તો બધું એકદમ જુદું છે. તમારો માધવ સાવ દારૂડિયો છે. ક્યાં તમારા સંસ્કારોનો વૈભવ અને ક્યાં એ લોકોનું નિમ્ન જીવન. સાહેબ, હું નાની હતી ત્યારે એક દારૂડિયાના ઘરે મારો રૂંધાતો વિકાસ તમે જોઈ નહોતા શકયા પરંતુ હવે શું ?’ કહી રાધા એકદમ રડી પડી. ગોહિલસાહેબથી પણ ડૂસકું મૂકાઈ ગયું.

ખમાબા બંનેના માથા ઉપર હાથ મૂકી વિચારી રહ્યા કે રાધાને આપણે ઘેર લાવ્યા એ શું ફક્ત અલ્પ સુખને ખાતર જ ? આ છોકરીને આપણે કેવી સરસ રીતે ઉછેરી અને તેને આ ઘરનો સંસ્કાર વૈભવ આપ્યો. પણ આ શું થઈ ગયું ? રાધાને પરણાવીને મોટી ભૂલ કરી કે રાધાને આપણે ત્યાં લાવી ઉછેરી મોટી કરી એ આપણી ભૂલ ?

Comments are closed.