તેં જ દોસ્તી નભાવી ના મારી

51 Comments

તેં જ દોસ્તી નભાવી ના મારી
બોલ ના તું  હવે   કટુ  વાણી

લાગણીની ખબર રહે  છે શું?
ઝંખના  હોય   છે  મને  તારી

હું દુવા   માંગવા  નથી  જાતો
લાજ   રાખે અહીં પ્રભુ  મારી

પીઠ  પાછળ  કટારી  મારે છે
ને  નજરમાં  એ રાખતો યારી

એકલા  એકલા   શું  કરવાનું
રોજ  શોધું  છું બાગમાં માળી

-અમિત ત્રિવેદી

સુખ મળે જયારે

9 Comments

સુખ મળે જયારે મળે અનહદ મળે ,
દુઃખ ભલે  મળતાં રહે  સરહદ મળે

સ્વપ્ન  કડિયાએ  બધાં જોયા હતાં,
ખોદતા  એનાં  જ  મોટા  કદ  મળે

એ  સફરની   કલ્પના  જો  હું કરું ,
જીંદગી   ગીતો   બની  બેહદ  મળે

રોજ ત્યાં આવી ન જાણે શું થતું ?
સ્વપ્નને શાને વળી ત્યાં હદ મળે?

એ વળી કેવું   બને   કે   તું   કહે –
એ જ સાંભળવા મને ફુરસદ મળે

– અમિત ત્રિવેદી

પ્રત્યેક ક્ષણને સાચી જીવાય તો મજાનું

52 Comments

પ્રત્યેક  ક્ષણને   સાચી જીવાય  તો  મજાનું
જીવન પ્રવાસ  નોખો સચવાય   તો મજાનું

તું  લાગણી  છુપાવે, હું  લાગણી   છુપાવું
ને નામ જો પરસ્પર  બોલાય   તો   મજાનું

એના બધાં રહસ્યો જાણે  છતાં  શુકન  છે
સંબંધ  જો  ગુલાબી  બંધાય   તો   મજાનું

એ  બારણે ટકોરા પડવા  છતાં  ન   ખોલે
વરસો પછી મળે મન લલચાય  તો મજાનું

એને ફરીવળે છે   યાદો   બધી   અચાનક
બંધ  કમાડ  એના  ખોલાય   તો   મજાનું

-અમિત ત્રિવેદી

ઘણીવાર શ્વાસો વજનદાર લાગે

1,326 Comments

ઘણીવાર  શ્વાસો   વજનદાર  લાગે
છતાં   જો  વધે તો  સમજદાર  લાગે

ઘણું જાણતા હોય  તો  પણ બધાને
બધા લોભ   માયા  ચમકદાર   લાગે

નથી  કોઈ   શબ્દો નથી કોઈ   વાચા
છતાં  મૌન   કેવું    અસરદાર   લાગે

મને  એ  જ  રીતે    મનાવી  શકે  એ
કશું પણ ન બોલે છતાં  પ્યાર   લાગે

હશે સાવ અંગત, નિકટ આવતા એ
મને  તો  ભલા એ  ખબરદાર  લાગે

-અમિત ત્રિવેદી

… એ કિસ્સો થયા કરે છે

3,587 Comments

 

તું આવ ખોટું કશું નથી પણ અહીં એ કિસ્સો   થયા  કરે છે
તને  ભલે  ના  ગમે   છતાં એ  બધી  કથાઓ  થયા  કરે  છે

ન  જીત   કે હારથી એ   ડરતો   અતૂટ  શ્રદ્ધા  કદી  ન  છૂટે
વિટંબણાઓ ઘણી હશે પણ નવો ત્યાં  રસ્તો  થયા કરે  છે

ને શું ખુલાસા બધા   કરીને અહીં   દિલાસા  જ આપવાના?
ન  મોંઘવારી   ઘટે ને માણસ શા  માટે સસ્તો  થયા કરે છે?

અનુભવોથી થયા  કરે  છે   વફા  જ   ખોટી  હતી  અમારી
અહીં તો  માણસ હવે ડરે  છે  નકામા   દોસ્તો થયા  કરે છે

નજરથી એની નજર મળી નહિ શકી બધાં ને ખબર પડી છે
કશે ન ચાલી  શકે એ સિક્કો  બધે  જ ખોટો  થયા  કરે  છે

-અમિત ત્રિવેદી

Older Entries