તમને દેખું તો…
Sep 16
મનોહર ત્રિવેદી
તમને દેખું તો ઊભી થાય એક દ્રારિકા
ને હસતા ભાળું તો હરિદ્રાર
ટેરવાં અડે ને બજે મીરાંનાં મંજીરાં ,
નરસૈંનો રેલે કેદાર
આવ્યા તમે જે મારા અંધારા ઓરડે
તો આપમેળે પ્રગટ્યાં કૈં તેજ
દર્પણની જેમ પછી સામે ઊભા તો જાણે
પહેલવેલા જોયો મને મેં જ
અણગમતું એય
આજ વહાલું લાગે છે
એવો ભર્યોભર્યો કીધો સંસાર
નજરું જો મેળવો તો વનરાવન ઢુંકડું
ને વાણીમાં જમુનાનાં નીર
ચપટીથી કિયો તાર સાંધ્યો તમે કે
સાળ – સાખીમાં દીઠા કબીર
ઠેશથી ઊડેલ ધૂળ
આકાશે પૂગી તો થૈ ગૈ એ હંસોની હાર
તમને દેખું તો ઊભી થાય એક દ્રારિકા
ને હસતા ભાળું તો હરિદ્રાર
~મનોહર ત્રિવેદી