… એ કિસ્સો થયા કરે છે

3,582 Comments

 

તું આવ ખોટું કશું નથી પણ અહીં એ કિસ્સો   થયા  કરે છે
તને  ભલે  ના  ગમે   છતાં એ  બધી  કથાઓ  થયા  કરે  છે

ન  જીત   કે હારથી એ   ડરતો   અતૂટ  શ્રદ્ધા  કદી  ન  છૂટે
વિટંબણાઓ ઘણી હશે પણ નવો ત્યાં  રસ્તો  થયા કરે  છે

ને શું ખુલાસા બધા   કરીને અહીં   દિલાસા  જ આપવાના?
ન  મોંઘવારી   ઘટે ને માણસ શા  માટે સસ્તો  થયા કરે છે?

અનુભવોથી થયા  કરે  છે   વફા  જ   ખોટી  હતી  અમારી
અહીં તો  માણસ હવે ડરે  છે  નકામા   દોસ્તો થયા  કરે છે

નજરથી એની નજર મળી નહિ શકી બધાં ને ખબર પડી છે
કશે ન ચાલી  શકે એ સિક્કો  બધે  જ ખોટો  થયા  કરે  છે

-અમિત ત્રિવેદી

તું તો નદીની જેમ ક્યાં દોડી મળ્યા વગર?

179 Comments

 

તું તો નદીની જેમ ક્યાં દોડી મળ્યા વગર?
પાછા ફરીને તે કરી ના આ તરફ નજર

અંજળ નથી કહી હું જ છળતો રહું મને
મારા અહમ્ ને છોડી ન આવું હું તુજ નગર

મંદિરમાં રોજ ભીડ થવાના શું કારણો ?
જોવા મળે છતાં પ્રભુની ચોતરફ અસર

ભીતર તો મોરના ઘણાં ટહુકા હતાં છતાં
પાછા ફરે છે મોર ત્યાં વરસાદની વગર

હું તો બધી ગઝલ લખું છું તારું નામ લઈ
મારી વ્યથા છે કે તે કદી ના કરી કદર

-અમિત ત્રિવેદી

સંબંધ બાંધી ફૂલને છોડી ને ક્યાં ગયા?

No Comments

સંબંધ બાંધી  ફૂલને  છોડી   ને  ક્યાં  ગયા?
ઝાકળ બનીને ફૂલમાં પોઢી  ને  ક્યાં  ગયા ?

ઉધ્ધાર  મારો  થાય   ખરો    તે   છતાં  મને
ભ્રમણા  બધી  અહીં હરિ જોડી ને ક્યાં ગયા

રોજે   મને   નવી    દુવિધાઓ    મળે   છતાં
મારા  હતા  એ  સારથિ, દોડીને   ક્યાં  ગયા

સૂરજમુખીનું     રોજ    નવું     ફૂલ    ખીલતું
તાજા   વિચારને  કવિ  ખોળી  ને  ક્યાં  ગયા

તખ્તી હતી  છતાં  હરિ  ઘર  ભૂલી  જાય  છે
ઝંખું  છતાં  મને  હરિ   છોડીને   ક્યાં  ગયા

-અમિત ત્રિવેદી

હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે

No Comments

હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે
અમે તો રાતભર જાગી રહીએ જાગવા માટે

અમે તારે  ઈશારે   જિંદગીભર  તો   રહ્યાં   દોડી
થયાં પગભર તો અંતે પગ છળે  છે થાકવા  માટે

છલકવું કે   મલકવું   એ   હવે   તો લાગતું ખોટું
છતાં ભીતર બધું દોડે  હજુ   શું   તાગવા   માટે?

વસંતો ખીલવા લાગી છતાં ભીતર હજી  પતઝડ
મળ્યું    છે પાંદડું   પીળું   પગેરું   પામવા   માટે

અને સૂરજ ભલેને આથમી જાતો, તો  મારે  શું?
અડીખમ? છું, ફરી તું આવ છાંયો માપવા  માટે

 

– અમિત ત્રિવેદી

અર્થ સમજી ભીતર ના ઘરને જોવા લાગી છે

No Comments

અર્થ સમજી ભીતર ના ઘરને જોવા લાગી છે
આંખો તો ચ્હેરાનું નજરાણું  હોવા લાગી  છે

તું જાણે છે , મારા શબ્દો  તારા  માટે શું છે
છીપ વચાળે સૂર મહીં મોતી જોવા લાગી છે

તું ના વાંચી શકે તો લે હું  બદલી નાખું  છું
હું જાણું છું કે લિપી મારી ખોવા  લાગી  છે

મારાથી દૂર ત્યાં જઈને  તું  શું  બોલે  રાખે
જે કાંઈ બોલ્યો તેની અસર ધોવા લાગી છે

વરસોથી ઝંખ્યું એ સપનું સરકી જાતું  જોયું
પરબારું આવ્યું પાસે તો  તું  રોવા લાગી છે

 

– અમિત ત્રિવેદી

Older Entries Newer Entries