હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે
Oct 13
હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે
અમે તો રાતભર જાગી રહીએ જાગવા માટે
અમે તારે ઈશારે જિંદગીભર તો રહ્યાં દોડી
થયાં પગભર તો અંતે પગ છળે છે થાકવા માટે
છલકવું કે મલકવું એ હવે તો લાગતું ખોટું
છતાં ભીતર બધું દોડે હજુ શું તાગવા માટે?
વસંતો ખીલવા લાગી છતાં ભીતર હજી પતઝડ
મળ્યું છે પાંદડું પીળું પગેરું પામવા માટે
અને સૂરજ ભલેને આથમી જાતો, તો મારે શું?
અડીખમ? છું, ફરી તું આવ છાંયો માપવા માટે
– અમિત ત્રિવેદી