તું તો નદીની જેમ ક્યાં દોડી મળ્યા વગર?

Comments Off on તું તો નદીની જેમ ક્યાં દોડી મળ્યા વગર?

 

તું તો નદીની જેમ ક્યાં દોડી મળ્યા વગર?
પાછા ફરીને તે કરી ના આ તરફ નજર

અંજળ નથી કહી હું જ છળતો રહું મને
મારા અહમ્ ને છોડી ન આવું હું તુજ નગર

મંદિરમાં રોજ ભીડ થવાના શું કારણો ?
જોવા મળે છતાં પ્રભુની ચોતરફ અસર

ભીતર તો મોરના ઘણાં ટહુકા હતાં છતાં
પાછા ફરે છે મોર ત્યાં વરસાદની વગર

હું તો બધી ગઝલ લખું છું તારું નામ લઈ
મારી વ્યથા છે કે તે કદી ના કરી કદર

-અમિત ત્રિવેદી

સંબંધ બાંધી ફૂલને છોડી ને ક્યાં ગયા?

Comments Off on સંબંધ બાંધી ફૂલને છોડી ને ક્યાં ગયા?

સંબંધ બાંધી  ફૂલને  છોડી   ને  ક્યાં  ગયા?
ઝાકળ બનીને ફૂલમાં પોઢી  ને  ક્યાં  ગયા ?

ઉધ્ધાર  મારો  થાય   ખરો    તે   છતાં  મને
ભ્રમણા  બધી  અહીં હરિ જોડી ને ક્યાં ગયા

રોજે   મને   નવી    દુવિધાઓ    મળે   છતાં
મારા  હતા  એ  સારથિ, દોડીને   ક્યાં  ગયા

સૂરજમુખીનું     રોજ    નવું     ફૂલ    ખીલતું
તાજા   વિચારને  કવિ  ખોળી  ને  ક્યાં  ગયા

તખ્તી હતી  છતાં  હરિ  ઘર  ભૂલી  જાય  છે
ઝંખું  છતાં  મને  હરિ   છોડીને   ક્યાં  ગયા

-અમિત ત્રિવેદી

હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે

Comments Off on હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે

હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે
અમે તો રાતભર જાગી રહીએ જાગવા માટે

અમે તારે  ઈશારે   જિંદગીભર  તો   રહ્યાં   દોડી
થયાં પગભર તો અંતે પગ છળે  છે થાકવા  માટે

છલકવું કે   મલકવું   એ   હવે   તો લાગતું ખોટું
છતાં ભીતર બધું દોડે  હજુ   શું   તાગવા   માટે?

વસંતો ખીલવા લાગી છતાં ભીતર હજી  પતઝડ
મળ્યું    છે પાંદડું   પીળું   પગેરું   પામવા   માટે

અને સૂરજ ભલેને આથમી જાતો, તો  મારે  શું?
અડીખમ? છું, ફરી તું આવ છાંયો માપવા  માટે

 

– અમિત ત્રિવેદી

અર્થ સમજી ભીતર ના ઘરને જોવા લાગી છે

Comments Off on અર્થ સમજી ભીતર ના ઘરને જોવા લાગી છે

અર્થ સમજી ભીતર ના ઘરને જોવા લાગી છે
આંખો તો ચ્હેરાનું નજરાણું  હોવા લાગી  છે

તું જાણે છે , મારા શબ્દો  તારા  માટે શું છે
છીપ વચાળે સૂર મહીં મોતી જોવા લાગી છે

તું ના વાંચી શકે તો લે હું  બદલી નાખું  છું
હું જાણું છું કે લિપી મારી ખોવા  લાગી  છે

મારાથી દૂર ત્યાં જઈને  તું  શું  બોલે  રાખે
જે કાંઈ બોલ્યો તેની અસર ધોવા લાગી છે

વરસોથી ઝંખ્યું એ સપનું સરકી જાતું  જોયું
પરબારું આવ્યું પાસે તો  તું  રોવા લાગી છે

 

– અમિત ત્રિવેદી

સાવ સીધો એક કડિયો જાદુ કરતો

Comments Off on સાવ સીધો એક કડિયો જાદુ કરતો

સાવ  સીધો  એક   કડિયો   જાદુ  કરતો
સ્વપ્ન એ  જંતર   કરીને   ઇંટે   ચણતો

આયના  વેચી  લોકોને   એ   સડક   પર
તેમનો    ચ્હેરો     બતાવી   પેટ   ભરતો

એક   પથ્થરનું     રૂપાંતર   એ   કરે   ને
શોધવા   ઈશ્વર,  ભટકતો  કેમ    ફરતો

દોસ્ત    છોડીને   બધું    તારે   જવું   છે
તો  પછી  ખાલીપણાથી    કેમ   ડરતો?

કોઈના    હોવા     વિશેની      ધારણામાં
રાત આખી  શોધવામાં જાગ્યા તું   કરતો
– અમિત ત્રિવેદી

Older Entries Newer Entries